૪ હજાર ચો.મી.નું ક્ષેત્રફળ અને ૨૫ મીટર હાઇટના બનતા બિલ્ડીંગમાં ત્રણ માળના પોડિયમ પાર્કિંગની મળે છે મંજૂરી
મુલાકાતીઓને બિલ્ડીંગ અંદર જ મળે છે પાર્કિંગ, રોડ પર ટ્રાફિકની સમસ્યાનો રામબાણ ઇલાજ
હાઇરાઇઝ પ્રોજેક્ટ ખાસ કરીને જ્યા ઓફિસ ઓનર્સ અને મુલાકાતીઓની સતત આવન-જાવન રહેતી હોય ત્યા પર્યાપ્ત પાર્કિંગ જોગવાઇના અભાવે રોડ પર જ વાહનોના થપ્પા પડ્યા ન રહે એ માટે અમદાવાદની જેમ હવે રાજકોટમાં પણ પોડીયમ પાર્કિંગ એટલે કે, ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રણ માળ સુધી પાર્કિંગની મંજૂરી આપવાનું શરૂ થયુ છે. આમતો છેલ્લા ઘણા સમયથી પોડિયમ પાર્કિંગ સાથેનો પ્લાન મંજૂરીને પાત્ર બન્યો છે. પણ પોડિયમ પાર્કિંગના ફાયદાઓનો અનભવ મળતા હવે મોટા પ્રોજેક્ટમાં બિલ્ડરો પોડિયમ પાર્કિંગ રાખતા થયા છે.
મેટ્રો સિટીમાં પાર્કિંગની સમસ્યા સૌથી મોટી માથાના દુ:ખાવારૂપ હોય છે. મુંબઇમાં આ પ્રકારના પોડિયમ પાર્કિંગ ઘણા વર્ષોથી ચાલી રહ્યુ છે. ગુજરાતમાં પણ હવે આ પ્રકારના હાઇરાઇઝ બિલ્ડીંગ બનવાનું શરૂ થયુ છે. પોડિયમ પાર્કિંગથી હાઇરાઇઝમાં એમીનીટીશ માટે વધુ સ્પેશ ફાળવી શકાય છે.
તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોડિયમ પાર્કિંગ સાથેના ૨૨ હાઇરાઇઝ પ્રોજેક્ટને મંજૂરી આપવામા આવી છે. રાજકોટમાં પણ પોડિયમ પાર્કિંગની પ્રથા શરૂ થઇ છે. તેના માટે જીડીસીઆરના નિયમ મુજબ ૪ હજાર ચો.મી.થી વધુ ક્ષેત્રફળ અને ૨૫ મીટરથી વધુ ઉંચાઇ હોવી ફરજિયાત છે. શહેરના દોઢસો ફૂટ રિંગરોડ-૨ પર પોડિયમ પાર્કિંગ સાથેના કેટલાક પ્રોજેક્ટ મુકવામા આવ્યા હોવાનું મનપાની ટીપી શાખામાંથી જાણવા મળ્યું છે.
પોડિયમ પાર્કિંગથી આટલો ફાયદો
- રહેણાંક વિસ્તારોમાં બિલ્ડીંગની રોડ-સ્ટ્રીટ સાઇડ પાર્કિંગના થપ્પા પડયા રહેતા હોય એ સમસ્યા દૂર થશે.
- રહેણાંક કરતા કોમર્શિયલ બિલ્ડીંગને સૌથી વધુ ફાયદો થશે. કારણ કે, આવી બિલ્ડીંગમાં મુલકાતીઓની સતત આવન-જાવન રહે છે.
- એમીનીટીશમાં સ્વીમીંગ પુલ, લેન્ડસ્કેપ, ક્લબ હાઉસ જેવી એમીનીટીશ માટે પુરતી જગ્યા મળશે.
- એકથી વધુ લેવલ પર પાર્કિંગ મળતુ હોય બેઝમેન્ટ પાર્કિંગની સરખામણીએ ખર્ચમાં સસ્તુ પડશે.
બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાવાની સમસ્યા જ નહીં રહે
પોડિયમ પાર્કિંગમાં બેઝમેન્ટ પાર્કિંગ માટે બહુ ઉંડુ ખોદકામ કરવાનું રહેતુ નથી. હાલ જે રીતે બેઝમેન્ટ પાર્કિંગ આપવામા આવે છે તેમા ખાસ કરીને ચોમાસામાં જમીનમાંથી પાણી ચુવાક થાય છે. જેને લીધે બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાયેલુ રહેવુ, કિચકાણ, મચ્છરો અને ગંદકીની સમસ્યા રહે છે. પોડિયમ પાર્કિંગમાં આ પ્રકારની સમસ્યા રહેવાનો કોઇ અવકાશ જ નથી હોતો.