- પીઓકેમાં મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન સ્ફોટક સ્થિતિમાં બદલાયું
- બ્રિટનમાં વિરોધ દરમ્યાન ત્રણ લોકોનાં મોત, છ પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત
- પીઓકેમાં સ્થિતિ કાબૂ કરવા પાક.રેન્જર્સના ધાડેધાડા ઉતારી દેવાયા
પાડોશી દેશ પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં મોંઘવારીને લઈ વિરોધ પ્રદર્શન યથાવત્ છે. વીજળી બિલ, ટેક્સ અને ઘઉંના લોટના વધેલા ભાવને લઈ સ્થાનિકો આંદોલનના મૂડમાં છે. સતત ચોથા દિવસે પણ પીઓકેમાં હડતાળ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ દરમિયાન પીઓકેના મુજફફરાબાદમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ભારે ઝપાઝપી થતા પરિસ્થિતિ વધુ સ્ફોટક બની. પીઓકેના પડઘા બ્રિટનમાં પણ પડયા હતા. બ્રિટનના બ્રેડફોર્ડમાં પીઓકેની સ્થાનિક પાર્ટીએ પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મંગળવારે વિરોધ પ્રદર્શ બાદ થયેલા ઘર્ષણમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
જમ્મુ-કાશ્મીરની સંયુક્ત અવામી એક્શ કમિટીએ પીઓકેમાં વીજળીની જોગવાઈ, ઘઉંના લોટ પર સબસિડી સહિત અન્ય વિશેષાધિકારો સમાપ્ત કરવાની માંગ કરી રહી છે. પોલીસે આખી રાત આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ઘણા નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી હતી. મુજફફરાબાદ, દાદિયાલ, મીરપુર અને પીઓના અન્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવતા જવાનો અને સ્થાનિક પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી.
પીઓકેમાં હજી વિરોધ પ્રદર્શન યથાવત્
પાકિસ્તાને કબ્જો કરેલા પીઓકેમાં મોંઘવારી વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન યથાવત્ છે. ત્યાંના સ્થાનિક નેતાએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં મુજફફરાબાદની સ્થિતિ ખૂબ ગંભીર છે. મંગળવારે સવારે આશરે પાંચ લાખ લોકોએ વીજળી બિલમાં ટેક્સ, સબસિડીમાં કાપના વિરોધમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ધારાસભ્યોના ભથ્થા અને વિશેષાધિકારોને સમાપ્ત કરવાની માંગને લઈ માર્ગો પર ઉતરી પડયા છે. અચાનક પ્રદર્શનકારીઓએ વળતો પ્રહાર કરતા રેન્જર્સ પાછળ હટી ગયા હતા. એવું લાગી રહ્યું કે રેન્જર્સ પરત ચાલ્યા ગયા પરંતુ થોડીવારમાં મોટી સંખ્યામાં કાફલો ખડકાઈ ગયો હતો. તેમને એવું પણ કહ્યું કે ઘઉંના ભાવમાં પ્રતિ મહિને આશરે 600થી 700 રૂપિયાનો ઘટાડો કરાયો છે.
પીઓકેના લોકોએ ભારતની મદદ માંગી
પીઓકેમાં સ્થિતિ સ્ફોટક હોવાથી ઈન્ટરનેટ સેવાને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. સૈન્યના હેલિકોપ્ટર ઉતરી રહ્યા છે. દરેક હેલિકોપ્ટરમાં 20થી 25 જવાનો છે. એક સ્થાનિક નેતાએ કહ્યું કે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે વિદેશ મંત્રાલય પાકિસ્તાની રાજદૂતને બોલાવીને સ્પષ્ટતા માંગવાનો નિર્દેશ છે. આ પીઓકેમાં અમારી જિંદગી જોખમમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ શાંતિ જાળવવા અને ચર્ચા કરી મુદ્દાને ઉકેલવા અપીલ કરી હતી.


