IPL 2025ની સિઝન મધ્યમાં પહોંચી ચૂકી છે અને ક્રિકેટ ફેન્સ કોઈ પણ સંજોગોમાં આઈપીએલની મેચ સ્ટેડિયમમાં જોવા માટે જાય છે અને તેના માટે મોંઘવાવે ટિકિટ ખરીદવા માટે પણ તૈયાર થઈ જાય છે. ત્યારે આવતીકાલે 28 એપ્રિલ સોમવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં યોજાનારી રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની IPL મેચની ટિકિટોનું કાળાબજાર કરવા બદલ પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે.
બે લોકોની કરાઈ ધરપકડ
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી 56 ટિકિટ અને એક કાર મળી આવી છે. આ કાર્યવાહી બાદ પોલીસે તમામ પોલીસ સ્ટેશનોને ટિકિટના ગેરકાયદે વેચાણને રોકવા માટે કડક સૂચનાઓ પણ આપી દીધી છે. ડીસીપીએ જણાવ્યું હતું કે સીએસટી કોન્સ્ટેબલ પ્રદીપ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે 26 એપ્રિલે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કોતવાલી પોલીસ સ્ટેશન હેઠળના ચોરા રસ્તા વિસ્તારમાંથી સંદીપ નટાણી (45) અને બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન હેઠળના કંવર નગરમાંથી ચંદ્ર પ્રકાશ (26)ની ધરપકડ કરી હતી.
2400 રૂપિયાની ટિકિટ 4000 રૂપિયામાં વેચાઈ
આરોપીઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ 2400 રૂપિયાની ટિકિટ 4000 રૂપિયામાં અને 3200 રૂપિયાની ટિકિટ 5000 રૂપિયામાં વેચતા હતા. એટલે કે, તેઓ ટિકિટની મૂળ કિંમત કરતાં ઘણી વધારે કિંમત વસૂલતા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને નિર્ધારિત કિંમત કરતા વધુ કિંમતે ટિકિટ વેચવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ હવે આ ધંધામાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ તપાસ કરી રહી છે. ડીસીપીએ જણાવ્યું હતું કે IPL જેવી મોટી ઈવેન્ટમાં ટિકિટના કાળાબજાર પર કડક નજર રાખવામાં આવી રહી છે, જેથી સામાન્ય દર્શકોને કોઈ સમસ્યા ન થાય અને રમતની ભાવના પ્રભાવિત ન થાય. જો સવાઈ માનસિંહ સ્ટેડિયમની વાત કરીએ તો, રાજસ્થાન સરકાર અને રાજસ્થાન રોયલ્સના સહયોગથી સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. 2024-25ના રાજ્ય બજેટમાં, તેની ક્ષમતા વધારીને 50,000 બેઠકો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં દક્ષિણ પેવેલિયનનું નવીનીકરણ અને અન્ય સુવિધાઓમાં સુધારો શામેલ છે.


