- પાંચ દિવસ પહેલા ગુમ થયેલા યુવકની તપાસ કરતા અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલાયો
- આરોપીની બહેન સાથે સંબંધ કેળવવા જતા યુવકને મોત મળ્યું
- ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથધરી
ચાંદખેડા પોલીસની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓના નામ મીત રબારી અને સિદ્ધરાજ રબારી છે. જે બંને ખાસ મિત્રો અને હવે એક હત્યાના આરોપી બન્યા છે..હત્યા પણ અન્ય કોઈની નહીં પોતાના મિત્રની કરી છે..મીત અને સિધ્ધરાજ એ 29 ફેબ્રુઆરીએ મિતને પાડોશમાં રહેતા મિલન સુથારને ખોટી વાતોમાં ભોળવી ગાંધીનગર કેનાલ પાસે લઈ ગયા હતા.જ્યાં લાકડીના ફટકા મારી અર્ધ બેભાન કરી તેને કેનાલમાં નાખી દીધો જેમાં મિલન સુથારનું મૃત્યુ થયું,જેથી ચાંદખેડા પોલીસે અપહરણ અને હત્યાના ગુનામાં બંન્ને આરોપીની ધરપકડ કરી અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી.સાથે જ તપાસમાં એ હકીકત સામે આવી કે મીત રબારીની બહેન સાથે મૃતક મિલન સુથાર સંબંધ રાખવાની કોશિશ કરતો હતો જે કારણે આ હત્યા કરવામાં આવી છે.
અપહરણ બાદ હત્યા
બનાવની વિગતવાર નજર કરીએ તો 29 ફેબ્રુઆરીના રોજ મિલન સુથાર સાડા આઠ સુધી પોતાના ઘરે ન પહોંચતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી.જોકે મિલનના મિત્રોની પૂછપરછ કરતા 29 ફેબ્રુઆરી એ સાંજે તે મીત રબારી સાથે બાઈક પર બહાર જતો જોવા મળ્યો હતો.જેથી પરિવાર એ મીત રબારી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.પરંતુ પોલીસે મિતની તપાસ કરતા મીતનો પરિવાર પણ ઘર બંધ કરી ફરાર થઈ ગયો.જેથી પરિવાર અને પોલીસની શંકા વધુ મજબૂત બની હતી,સાથે જ પોલીસે ગુમ થયેલા મિલનની શોધખોળ કરતા ત્રણ તારીખે કડીના કરણનગર પાસેથી પસાર થતી કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો,જેમાં માથાના ભાગે ઇજાના નિશાનો હોવાનું સામે આવતા પોલીસે હત્યાની કલમોનો ઉમેરો કરી મીત અને તેના મિત્ર સિદ્ધરાજની ધરપકડ કરી છે.
પરિવારજનો બન્યા સાક્ષી
પોલીસે હત્યાના ગુનામાં મીત અને સિધ્ધરાજની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે 29 ફેબ્રુઆરીની રાત્રે 7 વાગ્યાથી 9:30 વાગ્યા સુધીના સમયમાં જ હત્યાને અંજામ આપી બંને મિત્રો પોતાના પરિચિતોના ત્યાં રોકાયા હતા.જેથી પોલીસે આ ગુનામાં પરિચિતો અને અન્ય મિત્રોને સાક્ષી બનાવી વધુ તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે છેલ્લા દોઢ મહિનાથી મીત મિલનને મારવાની ધમકીઓ આપતો હતો. અને કેટલાક મિત્રોને આ અંગે વાત પણ કરી હતી ત્યારે અપહરણ અને હત્યાના ગુનામાં શું નવા ખુલાસા થાય છે.અને કોની કોની સંડોવણી સામે આવે છે તે જોવું મહત્વનું છે.


