હવે પોલીસ નહીં અમે ધોકાવાળી કરશું : મહિલાઓની ચેતવણી
ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતી વધુ એક ઘટના જેતપુરમાં સામે આવી છે. થર્ટી ફર્સ્ટની રાત્રે પોલીસના ‘સઘન ચેકિંગ’ના દાવાઓ વચ્ચે જેતપુરના ધોરાજી રોડ પરના રહેણાંક વિસ્તારોમાં દેશી દારૂની નદીઓ વહેતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પોલીસ જ્યારે નામમાત્રના કેસ નોંધીને વાહવાહી લૂંટવામાં વ્યસ્ત હતી, ત્યારે જેતપુરની રણચંડીઓએ દારૂના અડ્ડાઓ પર ત્રાટકીને પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી દીધી છે.
સ્થાનિક મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં શિલ્પાબેન અને મંજુબેન જેવી મહિલાઓએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાં દારૂનું દૂષણ વકરી રહ્યું છે. મહિલાઓએ જણાવ્યું કે, “ચામુંડાનગર અને ધોરાજી રોડ પાસે બુટલેગરો કોથળા ભરી-ભરીને દારૂ વેચે છે. પોલીસ આવે છે, ગાડી ભરીને લઈ જાય છે, પણ કલાકમાં તો બુટલેગરો પાછા આવીને ધંધો ચાલુ કરી દે છે.
જનતા રેડ પાડનાર મહિલાઓના જણાવ્યા અનુસાર, આ દારૂના અડ્ડાઓને કારણે રસ્તે જતી દીકરીઓની છેડતી થાય છે અને દારૂડિયાઓ ગાળાગાળી કરે છે. એક વૃદ્ધાએ રોષ સાથે જણાવ્યું કે, “મારા છોકરા જ્યારે અનાજ દળાવવા જાય છે ત્યારે બુટલેગરો તેમને ધમકાવે છે અને કહે છે કે અમે તો અહીં જ દારૂ વેચવાના. પોલીસ સાથે તેમને ભળતું હોય તેમ લાગે છે.
વારંવારની રજૂઆતો અને આ ત્રીજી જનતા રેડ છતાં જો કાયમી નિકાલ નહીં આવે તો મહિલાઓએ કાયદો હાથમાં લેવાની ચીમકી આપી છે. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હવે જો અહીં દારૂ વેચાયો તો અમે કોઈને બોલાવવા નથી જવાના, અમે બંને વિસ્તારની મહિલાઓ ધોકા લઈને નીકળીશું અને પીવાવાળા તેમજ વેચવાવાળા બંનેને ધોકાવાળી કરીશું.
મહિલાઓના આ ઉગ્ર વિરોધ બાદ જેતપુર પોલીસ દોડતી થઈ છે અને મહિલા બુટલેગરોની અટકાયત કરી છે. પરંતુ સવાલ એ થાય છે કે જે દારૂની પોટલીઓ મહિલાઓને દેખાય છે, તે પોલીસની નજરમાં કેમ નથી આવતી? શું જેતપુર પોલીસ જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે?


