પોલીસ વિભાગમાં રાજ્યભરના 257 પોલીસ કર્મચારીઓની માંગણી મુજબ બદલીના હુકમો
પોતાના ખર્ચે અને સીનીયોરીટી ગુમાવવાની શરતે પસંદગીના જિલ્લાઓમાં બદલી; ગૃહ વિભાગના પરિપત્ર મુજબ અમલ
અગ્ર ગુજરાત , રાજકોટ
રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા લોક રક્ષક દળ તથા પોલીસ કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓ માટે લાંબા સમયથી રાહ જોવાતી સ્વવિનંતી આધારિત બદલી પ્રક્રિયામાં અંતે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ પોતાની પસંદગી મુજબના શહેર કે જિલ્લામાં પોતાના ખર્ચે બદલી કરવા માટે અગાઉથી DGP કચેરીમાં અરજીઓ કરી હતી. લાંબા સમય બાદ આ અરજીઓ પર વિચારણા કરીને રાજ્ય સરકારે બદલીઓના હુકમો બહાર પાડ્યા છે.
ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, પોલીસ કર્મચારીઓ દ્વારા કરાયેલી સ્વવિનંતી આધારે આ બદલીઓ મંજૂર કરવામાં આવી છે. આ બદલીઓ સરકારશ્રીના ગૃહ વિભાગ તથા સામાન્ય વહીવટ વિભાગના તા. ૦૫/૦૭/૨૦૧૭ અને તા. ૧૬/૧૦/૨૦૨૧ ના પરિપત્રોમાં નિર્ધારિત શરતોને આધિન રાખીને કરવામાં આવી છે.
પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, તેમની બદલી સંપૂર્ણપણે સ્વવિનંતી આધારિત છે. આ બદલીઓ “પદરના ખર્ચે” એટલે કે કર્મચારી પોતે જ મુસાફરી અને અન્ય ખર્ચ ભોગવશે તેવી શરતે મંજૂર કરવામાં આવી છે. સાથે સાથે, આ બદલીઓમાં સીનીયોરીટી જતી કરવાની શરત પણ લાગુ રહેશે, એટલે કે નવી જગ્યા પર અગાઉની સીનીયોરીટીનો લાભ મળશે નહીં.
રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાંથી આવી બદલીઓ માટે વ્યાપક માંગણી કરવામાં આવી હતી. પોલીસ વિભાગમાં લાંબા સમયથી એક જ જિલ્લામાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓએ પારિવારિક, આરોગ્ય, શિક્ષણ અથવા વ્યક્તિગત કારણોસર પોતાની પસંદગી મુજબના જિલ્લામાં બદલી માટે અરજી કરી હતી. આ તમામ અરજીઓની તપાસ અને ચકાસણી બાદ કુલ 257 પોલીસ કર્મચારીઓની પસંદગી મુજબના શહેર અથવા જિલ્લામાં બદલીના હુકમો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પરિપત્રમાં એક મહત્વની શરતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, જો તેમની સામે કોઈ ખાતાકીય તપાસ (ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી) ચાલુ હોય અથવા કોઈ ફોજદારી કેસ નોંધાયેલ હોય, તો તેની સંપૂર્ણ વિગતો તાત્કાલિક ગૃહ વિભાગને જાણ કરવાની રહેશે. આવી સ્થિતિમાં ગૃહ વિભાગ તરફથી અંતિમ મંજૂરી મળ્યા બાદ જ બદલીનો હુકમ માન્ય ગણાશે.
પોલીસ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આ નિર્ણયથી કર્મચારીઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે, કારણ કે લાંબા સમયથી અટવાયેલી સ્વવિનંતી બદલીઓ હવે અમલમાં આવી રહી છે. સાથે સાથે, વિભાગીય શિસ્ત અને નિયમો જળવાઈ રહે તે માટે જરૂરી કડક શરતો પણ રાખવામાં આવી છે.
આ બદલીઓથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માનવ સંસાધનનું સંતુલન સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ કર્મચારીઓ માટે પોતાની પસંદગી મુજબના સ્થળે ફરજ બજાવવાની તક મળતાં કાર્યક્ષમતા અને મનોબળ વધશે તેવી પણ અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
CID ક્રાઈમ હેઠળ એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત કરી રાજ્યભરના 44 કર્મચારીઓની નિમણૂક
રાજ્યમાં વધી રહેલી નાર્કોટિક્સની બદીને નાથવા માટે રાજ્ય સરકારે હવે કમર કસી છે. ડ્રગ્સના ગેરકાયદે વેપાર, હેરાફેરી અને તેના નેટવર્ક પર અસરકારક નિયંત્રણ લાવવા માટે CID ક્રાઈમ હેઠળ વિશેષ એન્ટી નાર્કોટિક્સ યુનિટની રચના કરવામાં આવી છે. આ યુનિટ રાજ્યભરમાં નાર્કોટિક્સના ગેરકાયદે વ્યવસાય પર સતત ચાંપતી નજર રાખશે અને સક્રિય કાર્યવાહી કરશે.
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, CID ક્રાઈમ હેઠળ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની ઓપરેશનલ યુનિટ શરૂ કરવામાં આવી છે. આ યુનિટમાં રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓને શરૂઆતના તબક્કે ત્રણ વર્ષ માટે પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક આપવામાં આવી છે. આ તમામ કર્મચારીઓ ANTF (Anti-Narcotics Task Force) અંતર્ગત ખાસ તાલીમ અને જવાબદારી સાથે કામગીરી કરશે.
આ નિમણૂકો ગાંધીનગર ખાતે આવેલી CID ક્રાઈમ કચેરી હેઠળ કરવામાં આવી છે. રાજ્યના મોરબી, કચ્છ, પંચમહાલ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી કુલ 44 પોલીસ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. અલગ-અલગ વિસ્તારોમાંથી પસંદ કરાયેલા આ કર્મચારીઓ ડ્રગ્સના સ્ત્રોત, સપ્લાય ચેઇન અને સંડોવાયેલા નેટવર્ક પર ખાસ નજર રાખશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં યુવાધનને નશાની ચપેટમાંથી બચાવવા અને ડ્રગ્સના આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય રેકેટ પર પ્રહાર કરવા માટે આ યુનિટને વિશેષ અધિકારો અને ટેકનિકલ સહાય આપવામાં આવશે. ANTF યુનિટ દ્વારા ગુપ્તચર માહિતીના આધારે કાર્યવાહી, રેડ, ધરપકડ અને ડ્રગ્સ જપ્તી જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્રનું માનવું છે કે CID ક્રાઈમ હેઠળ કાર્યરત એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ થતાં નાર્કોટિક્સના ગેરકાયદે વેપાર પર અસરકારક અંકુશ આવશે અને રાજ્યને નશામુક્ત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.


