પોલીસ જવાનોએ રાજસ્થાનમાંથી વિદેશી દારૂની ભરેલી કારનો દાહોદમાં અકસ્માત
ત્રણ કોન્સ્ટેબલનું કારસ્તાન : LCBએ પીછો કરતા ભાંડો ફૂટયો : તમામ ફરાર
અગ્ર ગુજરાત, દાહોદ
દાહોદમાં પોલીસ કર્મચારીઓ જ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે. ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે હેડ કોન્ટેબલ અને એક કોન્ટેબલે રાજસ્થાનથી દારૂની કાર ભરી હતી. જોકે, ગુજરાતમાં ઘૂસતા જ દાહોદ LCBને બાતમી મળતાં LCBએ પીછો કર્યો હતો. આ દરમિયાન એક કારનો અકસ્માત સર્જાતા એનો ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. જોકે, અન્ય કારમાં પાયલોટિંગ કરતા બે કોન્ટેબલ પણ ફરાર થઇ ગયા હતા.
આ ઘટના અંગે ચાકલીયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ચાકલીયા પોલીસ મથકમાં જ ફરજ બજાવતા હેડ કોન્ટેબલ અર્જુન ઘનુભાઈ ભુરીયા, મોહન રમેશભાઇ તાવિયાડ અને કોન્ટેબલ પ્રકાશ સબુરભાઇ હઠિલાએ ગઇકાલે બપોરે રાજસ્થાનથી એક પંચ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો. જે કાર મોહન તાવિયાડ ચલાવતો હતો. જ્યારે અર્જુન ભુરીયા અને પ્રકાશ હઠિલા અન્ય એક અલ્ટો કારમાં પાયલોટિંગ કરતા હતા.
આ દરમિયાન દાહોદ LCBને આ બાતમી મળતાં LCBએ ઝાલોદ અને ચાકલીયા પોલીસ સ્ટાફ સાથે તળાવા ચોકડી નજીક વોંચ ગોઠવી હતી. આ દરમિયાન બંને કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકોએ ગાડી અટકાવવાને બદલે સ્પીડ વધારી લીમડી તરફ નાસી છૂટ્યા હતા. પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરતાં દારૂ ભરેલી પંચફોર વ્હીલર ગાડી આશરે 500 મીટર દૂર ગટરમાં ઉતરી ગઈ હતી, જેનો ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે પાયલોટિંગ કરતી અલ્ટો પણ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગઈ હતી.
પોલીસે અકસ્માતગ્રસ્ત પંચ કારમાં તપાસ કરતાં પંચમાંથી વિવિધ કંપનીની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ તથા બિયરની 8 પેટી, 112 બોટલો અને અંદાજે 74 લીટરથી વધુ દારૂના વોશનો જથ્થો મળ્યો હતો. પોલીસે કાર સહિત કુલ 5 લાખ 66 હજાર 646 રુપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસ મુજબ દારૂ ભરેલી પંચ (GJ-35-N-8922) હેડ કોન્ટેબલ મોહન તાવિયાડની છે. જ્યારે ફરાર અલ્ટો કાર (GJ-20-CA-8956) કેન્ટેબલ પ્રકાશ સબુરભાઈ હડીયાની હોવાનું સામે આવ્યું છે.
પ્રોહીબિશન જેવા ગંભીર ગુનામાં પોલીસ કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવતાં જનતા અને પ્રશાસનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ કેસમાં વિભાગીય કાર્યવાહી, સસ્પેન્શન તથા ઉચ્ચસ્તરીય તપાસની માંગ તેજ બની છે.


