- લગ્નપ્રસંગ હોવાથી વીડિયોગ્રાફી માટે ડ્રોન ઉડાવ્યાનું રટણ
- પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કોણ ડ્રોન ઉડાવી રહ્યું છે તેની શોધખોળ હાથ ધરી
- પાર્ટી પ્લોટમાં લગ્નપ્રસંગ હોવાથી ડ્રોન ઉડાવીને વીડિયો લેતો હોવાનું સામે આવ્યું
ગુજરાત હાઇકોર્ટની પ્રિમાઇસીસમાં ડ્રોન ઉડતા આસપાસના વ્યક્તિએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કોણ ડ્રોન ઉડાવી રહ્યું છે તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતા નજીકમાં આવેલ ચંદન પાર્ટી પ્લોટમાં લગ્નપ્રસંગ હોવાથી ચાંદલોડિયાના શખ્સે વીડિયોગ્રાફી માટે ડ્રોન ઊડાવ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે શખ્સ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાત હાઇકોર્ટની પ્રિમાઇસિસમાં ગત 25 ફ્રેબ્રુઆરીએ આકાશમાં ડ્રોન ઊડી રહ્યું હતું. આથી આસપાસની વ્યક્તિએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ડ્રોન ઊડતું હોવાની જાણ કરી હતી. આથી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ્ ત્યાં પહોંચ્યો હતો. ત્યાં જઇને જોયું તો કોઈ અજાણ્યો શખ્સ ગુજરાત હાઇકોર્ટની પ્રિમાઇસિસમાં ડ્રોન ઉડાવતો હતો. આથી પોલીસે ડ્રોન ઉડાડનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે તપાસ કરતા ત્યાં નજીકમાં આવેલા ચંદન પાર્ટી પ્લોટમાંથી આકાશ દાતણિયા નામનો શખ્સ ડ્રોન ઉડાવતો હતો.
આથી પોલીસે તેની પાસે ડ્રોન ઉડાવવા અંગેની પરમિશન માગી હતી, પરંતુ ન હતી. જેથી સોલા હાઇકોર્ટ પોલીસે ચાંદલોડિયાના આકાશ દાતણિયા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે પાર્ટી પ્લોટમાં લગ્નપ્રસંગ હોવાથી ડ્રોન ઉડાવીને વીડિયો લેતો હોવાનું સામે આવ્યું છે.


