વડોદરા જિલ્લાની નંદેસરી પોલીસે નશાના વેપાર સામે મોટી કાર્યવાહી કરતા એક રહેણાંક મકાન પર દરોડો પાડી લાખોની કિંમતનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત સરકારના ડ્રગ્સ મુક્ત અભિયાન હેઠળ પોલીસે બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
વૃદ્ધના ઘરેથી મળ્યો નશાનો સામાન
નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે અનગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા પરમાર ફળીયામાં નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે તુરંત કાર્યવાહી કરતા 73 વર્ષીય ચંદુભાઈ સામંતભાઈ પરમારના મકાન પર ત્રાટકી હતી.
જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતો
દરોડા દરમિયાન પોલીસને મકાનમાંથી માદક પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે. 4 કિલો 415 ગ્રામ પોપી (ડોડા)નો જથ્થો (કિંમત આશરે રૂ. 66,225). કાપડની થેલી, લોખંડનો વજન કાંટો અને વજનિયા (કિંમત રૂ. 500) એક સાદો કીપેડ મોબાઈલ ફોન (કિંમત રૂ. 500). કુલ રૂ. 67,225 મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કાયદેસરની કાર્યવાહી
73 વર્ષની ઉંમરે નશાના કારોબારમાં સંડોવાયેલા ચંદુભાઈ પરમારની પોલીસે ધરપકડ કરી છે. નંદેસરી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે.


