- સુરેન્દ્રનગરના નર્મદા કવાટર્સ પાસે ગુડદીનો જુગાર રમતા 5 જુગારી પકડાયા
- ધારૈઈ-ગુંદાળાના રસ્તે રાતના સમયે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
- સુરેન્દ્રનગર શહેરના નર્મદા કવાટર્સ પાસે જુગારની બાતમી મળતા પોલીસે દરોડા કર્યા
ચોટીલા તાલુકાના ધારૈઈ, થાનના મોરથળા અને સુરેન્દ્રનગર શહેરના નર્મદા કવાટર્સ પાસે જુગારની બાતમી મળતા પોલીસે દરોડા કર્યા હતા. જેમાં 13 જુગારિયાઓ રોકડા રૂપિયા 32,050 સાથે જુગાર રમતા પકડાયા હતા. જયારે મોરથળામાં થયેલ દરોડામાં એક જુગારિયો ફરાર થઈ ગયો હતો. ત્રણેય બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
નાની મોલડી પોલીસ ટીમના ભરતસીંહ પરમાર સહિતનાઓ ગત રવિવારે રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ધારૈઈથી ગુંદાળા જવાના રસ્તે જાહેરમાં અમુક શખ્સો સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં રાજકોટના વેલનાથનગર-રમાં રહેતો જીતેશ ગોકળભાઈ મકવાણા, વીંછીયા તાલુકાના ખડકાણા ગામે રહેતો લાલજી કાળાભાઈ ઝાંપડીયા અને વીંછીયા તાલુકાના લાલાવદર ગામનો વિષ્ણુ ધીરૂભાઈ કુબાવત ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 21,830 કબજે કરીને નાની મોલડી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ ટીમના મહાવીરસીંહ બારડને સુરેન્દ્રનગર નર્મદા કવાટર્સ પાસે આવેલ ભોપાના ચોકમાં અમુક શખ્સો જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફના ભરતદાન, રાજદીપસીંહ, ધવલસીંહ સહિતનાઓને સાથે રાખી દરોડો કરાયો હતો. જેમાં લક્ષ્મણ વાઘજીભાઈ લાંબરીયા, નારાયણ ઉર્ફે ભુરો છેલાભાઈ ધ્રાંગીયા, કલા કેશુભાઈ સરવૈયા, બાબુ ચંદુભાઈ રાઠોડ અને જયંતી સોમાભાઈ ગોરૈયા ગુડદી પાસાનો જુગાર રમતા રોકડા રૂપીયા 6,250 સાથે ઝડપાયા હતા. તમામ જુગારીયાઓ સામે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
બીજી તરફ થાન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોરથળા ગામે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં સોમા પ્રાગજીભાઈ મકવાણા, સોમા વાલાભાઈ દેગામા, નરશી તેજાભાઈ દેગામા, અરવિંદ હિંમતભાઈ રાવળ અને છગન કાનાભાઈ મકવાણા ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર
રમતા પકડાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 3,790 કબજે કરાયા હતા. આ દરોડા દરમિયાન ભીખા પોપટભાઈ મોરી પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો. બનાવની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ જે.આર.પટેલ ચલાવી રહ્યા છે.


