- વિકૃત ચહેરાની AIની મદદથી તસવીર બનાવી
- પોસ્ટર્સ છપાવ્યાં અને વોટ્સએપ્સ ગ્રૂપ્સમાં વાઇરલ કરતાં ઓળખ છતી થઈ
- પોલીસની આ રીત કારગત નીવડી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ઉત્તર દિલ્હી પોલીસે પહેલાં મૃતકની ઓળખ મેળવી અને ત્યાર બાદ હત્યામાં સામેલ ગુનેગારોની ધરપકડ કરી હતી. સામાન્ય રીતે મૃતકની ઓળખ માટે છાપાંઓમાં ફોટો છપાય, જેમાં ચહેરો સ્પષ્ટ નથી હોતો. આ વખતે પોલીસે AIની મદદથી મૃતકના ચહેરાને એવો બતાવવાની કોશિશ કરી જેવો સામાન્ય તસવીરમાં દેખાતો હોય. પોલીસની આ રીત કારગત નીવડી.
10 જાન્યુઆરીએ દિલ્હી પોલીસને ગીતા કોલોની ફ્લાયઓવર નીચેથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ પોલીસને ખબર પડી કે હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. પણ મૃતદેહ પાસે એવું કશું નિશાન નહોતું કે ઓળખપત્ર નહોતો જેનાથી તેની ઓળખ થઈ શકે. પોલીસ અનુસાર, હત્યારાએ ચાલાકીથી મૃતદેહનો નિકાલ કરવા ગીતા કોલોનીના ફ્લાયઓવર નીચેનો વિસ્તાર શોધ્યો હતો. હવે પોલીસ સામે મોટી સમસ્યા મૃતકની ઓળખની હતી પણ ચહેરો એટલી હદે વિકૃત હતો કે ફોટો જોઈને કોઈ આસાનીથી ઓળખી ન શકે. તેથી ઉત્તર દિલ્હી પોલીસે AIની મદદ લીધી. AIની મદદથી પોલીસે મૃતકનો એવો ચહેરો બનાવડાવ્યો જેથી ઓળખ થઈ શકે. આ કવાયત બાદ પોલીસે તસવીરનાં પોસ્ટર્સ છપાવ્યાં અને જુદા જુદા વિસ્તારમાં ચોંટાડાવ્યાં. સાથે જ પોલીસ સ્ટેશનો અને વોટ્સએપ ગ્રૂપ્સમાં શેર કરાવ્યા.
પોલીસની કોશિશ સફળ થઈ
પોલીસે દિલ્હી બહાર છાવલામાં પણ પોસ્ટર્સ લગાવડાવ્યાં હતાં. છાવલા પોલીસ સ્ટેશન બહાર ઓળખ થયા બાદ પોલીસને એક કોલ આવ્યો જેણે જણાવ્યું કે આ ફોટો તેના મોટા ભાઈ હિતેન્દ્રનો છે. ઓળખ થયા બાદ પોલીસે હિતેન્દ્રની પ્રોફાઇલ તપાસી અને આસપાસના લોકોની પૂછપરછ કરી જેથી તપાસ આગળ વધી શકે. હિતેન્દ્રને કોઈ બાબતે ત્રણ યુવકોની સાથે ઝઘડો થયો હતો. પોલીસે એક મહિલા અને અન્ય આરોપીઓની ધરપકડ કરી છે.


