રાજકોટ શહેરના 17 ભયજનક નદી તળાવમાં નાહવા પર પ્રતિબંધ
ચોમાસા દરમિયાન શહેરની ભાગોળે આવેલા નદી નાળા તળાવમાં વધુ પ્રમાણમાં પાણી ભરાઈ ગયેલો હોવાથી આવી જગ્યાઓ પર ડૂબવાના બનાવો અસંખ્ય બનવા પામે છે. જે અટકાવવા માટે શનિવારે જ પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા રાજકોટ શહેરના 17 જેટલા નદી નાળા તળાવમાં નાહવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. છતાં આજીડેમમાં નાહવા પડેલા સાત લોકોને ઝડપી લઇ તેઓની સામે જાહેરનામા ભંગ ની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આજી નદીનો કાંઠો, નવયુગપરા, ઘાંચીવાડ સ્મશાનથી કેસરી હિન્દ પુલ સુધીનો વિસ્તાર પ્રતિબંધ જાહેર કરાયો છે. બી ડિવિઝન વિસ્તારમાં લાલપરી તળાવ, સંત કબીર ટેકરી પાસે આજી નદીનો કાંઠો, ભગવતી પરા આજી નદીનો કાંઠો,બેડીપરા, આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજીડેમનો પૂર્વ બાજુનો કાંઠો ભાવનગર હાઇવે રોડ તરફ ખોખળદડ નદી, ખોખલદળ ગામ, રાંદરડા તળાવ જુના માર્કેટિંગયાર્ડ પાસે, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇશ્વરિયા પાર્ક ખાતે આવેલું તળાવ જામનગર રોડ, આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અટલ સરોવર, પરશુરામ મંદિર પાછળનું તળાવ, 150 ફૂટ રીંગ રોડ મેલડી માતાના મંદિરની સામેનું તળાવ, યુનિવર્સિટી કેમ્પસ પ્રસિલપાર્ક પાછળનું તળાવ, યુનિવર્સિટી ચાર રસ્તા વેજા ગામ પાસે આવેલું તળાવ, તથા રૈયા ગામનું તળાવ આમ 17 નદી તળાવ પર પ્રવેશ અને નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આવા નદી તળાવ પર પ્રતિબંધ હોવા છતાં પણ અમુક લોકો નાહવા માટે આજીડેમમાં આવેલા હોવાથી આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડ ક્વાટરમાં રહેતા પ્રવીણ વિજયભાઈ ચાવડા, ભાવેશ પ્રતાપભાઈ ચૌહાણ, ધર્મેશ દલસુખભાઈ યાદવ, વિજય દેવજીભાઈ ચાવડા, કલ્પેશ હેમંતભાઈ બારૈયા, રાકેશ ટીડાભાઇ વાઘેલા અને મુકેશ કાંતિભાઈ વાઘેલા સહિત સાત શખ્સોને ક્ષ્ઝડપી લઇ તેઓની સામે જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.