- ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આપી હતી સંસદ પર હુમલાની ધમકી
- પકડાયેલ આરોપી નીલમના પન્નુ સાથે કનેક્શન હોવાની સૌથી વધુ આશંકા
- છઠ્ઠા ભાગેડુ આરોપી પાસેનો મોબાઈલ ખોલી શકે છે અનેક સંવેદનશીલ સહસ્યો
13 ડિસેમ્બર 2023ના રોજ દેશની સંસદ પર હુમલો કરનાર છ હુમલાખોરોના ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ સાથે કનેક્શનને લઈને દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે ગુરપતવંત સિંહ પન્નુ પોતે અથવા તેના હિન્દુસ્તાની હેન્ડલરોએ આ હુમલાખોરોની વિચારધારા જોઈને તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને સંસદ પર હુમલો કરવા માટે પ્રેરિત કર્યા હતા. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું પન્નુએ આ હુમલાખોરોને બદલામાં મોટી રકમ આપી હતી? આ રહસ્યો આવનારા સમયમાં બહાર આવી શકે છે.
હુમલાખોરોના પન્નુ સાથે કનેક્શન હોવાની આશંકા પાછળનું કારણ 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો કરવાની તેમની પોતાની ધમકી છે. પોલીસને આશંકા છે કે આ હુમલાનું આયોજન ઘણા સમય પહેલા કરવામાં આવ્યું હતું અને હુમલા માટે 13 ડિસેમ્બરનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. આ બહાને પન્નુ તેના પાકિસ્તાની આકાઓને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું સંભવ છે.
માનવામાં આવી રહ્યું છે કે આ હુમલાના બહાને તે ભારતમાં સનસનાટી મચાવીને પોતાની હાજરી નોંધાવવા માંગતો હતો. તેનાથી પાકિસ્તાની આતંકવાદી સંગઠનોમાં તેની પહોંચ અને સ્વીકૃતિ વધશે અને તેને ફાયદો થશે. આ પહેલા પણ દિલ્હી મેટ્રોની દિવાલો પર એક-બે વાર કેટલીક વાંધાજનક ટિપ્પણીઓ લખવામાં આવી હતી. એ પણ પન્નુના સાગરીતોનું કારસ્તાન માનવામાં આવે છે. આ વખતે તે કંઈક મોટું કરીને ભારતમાં પોતાની હાજરી નોંધાવવા માંગતો હતો અને આ માટે તેણે આ હુમલાખોરોનો ઉપયોગ કર્યો હોય શકે છે.
દિલ્હી પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર 2019-20માં રાજધાની દિલ્હીમાં થયેલ કિસાન આંદોલન સમયે પણ પન્નુનું કનેક્શન કેટલાંક લોકો સાથે જોડાઈ રહ્યું હોય તેમ સામે આવ્યું હતું. આ વખતે થયેલ હુમલામાં પણ નીલમ સિંહ આઝાદ નામની જે મહિલા સંડોવણી સામે આવી છે તે દિલ્હીના કિસાન આંદોલન સમયે પણ સક્રિય હતી. એ વાતની સર્વાધિક સંભાવના છે કે પન્નુએ ભારત પર હુમલો કરવા માટે આ હુમલાખોરોની ઓળખ તે સમયે જ કરી લીધી હશે. કારણ કે, તે સમયે પણ તે પ્રદર્શન કર્તાઓના બહાને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કરી રહ્યો હતો, અને યોગ્ય સમય જોઈને તેણે આ હુમલો કરાવ્યો હોય શકે.
મોબાઈલ ખોલશે અનેક રહસ્યો
ગુરુગ્રામમાં આરોપીઓના રોકાણ દરમિયાન હુમલાખોરો દ્વારા ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ ફોન હુમલાની યોજના તેમજ પન્નુ ગેંગ સાથેના તેમના કનેક્શનને લઈને જે સસ્પેન્સ ઊભું થયું છે તેનો ખુલાસો કરી શકે છે. પોલીસ છઠ્ઠા આરોપી લલિત ઝાને પણ શોધી રહી છે, જે સંસદ પર હુમલા બાદ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તેની પાસે એક મોબાઈલ ફોન પણ છે જે આરોપીઓ વચ્ચેની વાતચીત અને સરહદ પારના કનેક્શનનો ખુલાસો કરી શકે છે. પોલીસનું માનવું છે કે આ મોબાઈલ તેમના હાથમાં આવતાની સાથે જ આ કેસના ઘણા સંવેદનશીલ પાસાઓ પરથી પડદો ઉચકાઈ જશે.


