રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
રાહુલ ગાંધી, કેજરીવાલે સભાઓ ગજાવી, સરકાર પર પ્રહાર કર્યા : 3૧મીએ વડાપ્રધાન ગુજરાતમાં
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બ્યુગલ ફૂંકાઈ ચૂકી છે. તારીખો હજુ જાહેર નથી થઈ, પરંતુ ત્રણેય મુખ્ય પાર્ટીઓએ પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે. ભાજપના દબદબા સામે AAP ટક્કરના દાવા કરી રહી છે, જ્યારે કોંગ્રેસ પણ આદિવાસી અને સામાન્ય વર્ગને લક્ષ્યમાં રાખીને મેદાનમાં ઉતરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ જોર પકડી રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ માટે ટિકિટ વિતરણની કમિટીઓ બની ગઈ છે. રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત આંટાફેરા વધી ગયા છે. હાલ ભાજપનો દબદબો છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત ટક્કર આપવાના દાવા કરી રહી છે. ભાજપના આ આક્રમક પ્રહારના જવાબમાં આમ આદમી પાર્ટીએ અમરેલીમાં જબરદસ્ત શક્તિ પ્રદર્શન કર્યું. કેજરીવાલ, ભગવત માન અને ગુજરાત આપ નેતાઓની હાજરીમાં વિજય વિશ્વાસ સભામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા.
કોંગ્રેસ પણ પાછળ નથી. સોમવારે રાહુલ ગાંધી વડોદરા પહોંચી આદિવાસી સંમેલનમાં તેઓ સંબોધન કરશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે વિકાસના નામે આદિવાસીઓને બેઘર કરવામાં આવી રહ્યા છે અને તેમને સિંચાઈ, શિક્ષણ, પાણી જેવી સુવિધાઓ મળતી નથી.
તો ગીર સોમનાથમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકે સોમનાથ મહાદેવ મંદિરમાં શીશ ઝુકાવીને પ્રચારનો શંખનાદ કર્યો અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ટિકિટ વિતરણ અને પ્રચાર અભિયાન તીવ્ર બન્યું છે.
એક તરફ ભાજપ પોતાનો દબદબો જાળવવા મથામણમાં છે…તો બીજી તરફ આપ અને કોંગ્રેસ બદલાવના દાવા સાથે મેદાનમાં છે…હવે નજર રાજ્ય ચૂંટણી પંચ પર છે…કે ક્યારે ચૂંટણીની તારીખો જાહેર થાય છે, અને ગુજરાતનું રાજકારણ વધુ ગરમાય છે.
જિલ્લા-તાલુકા પંચાયતથી મહાનગરપાલિકા સુધીની આ ચૂંટણી હવે માત્ર સ્થાનિક નહીં, પરંતુ ત્રણેય પાર્ટીઓ માટે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચ ગમે ત્યારે તારીખો જાહેર કરી શકે છે અને ગુજરાતના મતદારો નક્કી કરશે કે આ વખતે કમળ ખિલશે કે ઝાડુ સફાઈ કરશે કે પછી પંચાનો પંચ સૌને ઘાયલ કરી નાંખશે?


