સરકારની સાયબર સુરક્ષા એપ સંચાર સાથીને ફોનમાં પ્રી-ઇન્સ્ટોલ કરવાના સરકારના નિર્દેશ બાદ વિરોધ પક્ષે આ આદેશને નાગરિકોની ગોપનીયતાનું ઉલ્લંઘન અને જાસૂસી ગણાવીને સખત વિરોધ કર્યો છે.
નાગરિકોની ગોપનીયતાનું ઉલ્લંઘન!
28 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે સ્માર્ટફોન કંપનીઓને સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવા બાબતે આદેશ આપતાની સાથેજ વિરોધ પક્ષના નેતાઓ મેદાને આવ્યા છે. પ્રિયંકા ગાંધીએ સરકારના આ આદેશનો વિરોધ કરતાં કહ્યું કે સરકાર નાગરિકોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરી રહી છે અને જાસૂસી કાર્યો કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ આ બાબતે ત્યાં સુધી કહ્યું કે કેન્દ્ર સરકારનું આ પગલું છેતરપિંડી અટકાવવાના આડમાં લોકો પર નજર રાખવાનો પ્રયાસ છે.
ગોપનીયતા નાગરિકનો પ્રથમ અધિકાર
આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા શિવસેના (UBT) ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સંચાર સાથી એપ અંગે સરકારના નવા નિર્દેશ પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે કેન્દ્ર સરકારનું આ એકદમ હાસ્યાસ્પદ પગલું છે. આ પહેલાથી ઇન્સ્ટોલ કરેલી એપના આડમાં દેખરેખનું બીજું એક સ્વરૂપ છે. આનો અર્થ એ છે કે મોબાઇલ ફોન પરની બધી પ્રવૃત્તિને ટ્રેક કરી શકાય છે.” સરકાર આ રીતે નાગરિકોની પ્રાઈવસી પર પ્રહાર કરી રહી છે અને લોકોને નિયંત્રિત અને દેખરેખ રાખવાની કાર્યવાહી કરી રહી છે.
એપને ફોનમાંથી ડિલીટ કરી શકો છો
સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા જારી કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ એપ ન તો કોઈની જાસૂસી કરશે કે ન તો કોલ્સ પર નજર રાખશે.સિંધિયાએ આ બાબતે વધુમાં કહ્યું કે “જો તમે એપનો ઉપયોગ કરવા નથી માંગતા તો તમે તેને તમારા ફોનમાંથી ડિલીટ કરી શકો છો.” તેમણે ઉમેર્યું કે સરકારની જવાબદારી છે કે તે ખાતરી કરે કે આ એપ લોકો માટે સુલભ છે, કારણ કે તેનો હેતુ નાગરિકોને છેતરપિંડી, ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમથી બચાવવાનો છે.
આ પણ વાંચો: આતંકી દાનિશના ફોનમાંથી ડ્રોન અને હથિયારોને લઇને પુરાવા, થયો મોટો ખુલાસો


