- બીએસ-3 અને બીએસ-4 ડીઝલ કારો પર પ્રતિબંધ
- કન્સ્ટ્રક્શન અને તોડફોડના કામ પર પ્રતિબંધ લદાયો
- ઈંટના ભઠ્ઠા, હોટ મિક્સ પ્લાન્ટ્સ, સ્ટોન ક્રશર્સ બંધ
દિલ્હીમાં પ્રદૂષણમાં ફરીવાર વધારો થયો છે. અહીં હવાની ગુણવત્તાનો સૂચકાંક 400ને પાર ચાલી રહ્યો છે. દિલ્હીની હવા ફરીવાર ઝેરી બનતા CAQM દ્વારા દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં GRAP-3 લાગુ કરી દેવામાં આવ્યું છે. તેની સાથે જ દિલ્હી-એનસીઆર ક્ષેત્રના લોકો પર નવા પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. દિલ્હીમાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યે સરેરાશ એક્યૂઆઇ 413 નોંધાયો હતો. કુલ 35 સ્ટેશન પૈકી 25 સ્ટેશનો પર એક્યૂઆઇ 400ને પાર એટલે કે ગંભીર કેટેગરીમાં નોંધાયો છે. દિલ્હીમાં GRAP-3 લાગુ થયા બાદ દિલ્હી એનસીઆર રીજનમાં આગામી આદેશ સુધી નિર્માણ કાર્ય અને તોડફોડ કરવા સામે પ્રતિબંધ રહેશે, રેલવપે, મેટ્રો, એરપોર્ટ, આઇએસબીટી, રાષ્ટ્રીય સુરક્ષા, ડિફેન્સ અને રાષ્ટ્રીય મહત્ત્વના પ્રોજેક્ટ્સને તેમાંથી છૂટ મળશે. એવા કાર્યો જેનાથી પ્રદૂષણ નથી ફેલાતું જેમ કે પ્લમ્બિંગ, ઇન્ટિરિયર ડેકોરેશન, ઇલેક્ટ્રિકલસ અને કાર્પેન્ટર વગેરેને છૂટ રહેશે.
ઈંટના ભઠ્ઠા, હોટ મિક્સ પ્લાન્ટ્સ, સ્ટોન ક્રશર્સ બંધ રહેશે. રાજ્ય સરકારો બીએસ-3 અને બીએસ-4 ડીઝલ કારો પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવાયો છે. જે ઔદ્યોગિક વિસ્તારોમાં પીએનજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય નથી ત્યાં સ્વીકાર્ય ઇંધણનો ઉપયોગ નહીં કરનારા ઉદ્યોગો અઠવાડિયામાં માત્ર પાંચ જ દિવસ કામ કરી શકશે.
સ્થિતિ નહીં સુધરે તો સ્ટેજ-4 ના પ્રતિબંધ લદાઈ શકે
જો હવાની ગુણવત્તા નહીં સુધરે તો દિલ્હી-એનસીઆર રીજનમાં સ્ટેજ ચારના પ્રતિબંધ લાદવામાં આવી શકે છે જેમાં દિલ્હીમાં ટ્રકોનું આવાગમન બંધ થઈ જશે. માત્ર જરૂરી સામાનના ટ્રકોને જ પ્રવેશ મળશે.. દિલ્હીમાં રજિસ્ટર્ડ મીડિયમ અને હેવી ગુડ વ્હિકલ્સ પર પ્રતિબંધ રહેશે. ડીઝલ કારો પર પણ પ્રતિબંધ આવી શકે છે. માત્ર બીએસ-6 એન્જિન ધરાવતી કારો અને જરૂરી સેવામાં લાગેલા વાહનોને જ મંજૂરી મળી શકે છે. ઇન્ડસ્ટ્રી અને ફેક્ટરીઓ બંધ કરી દેવાશે. બાંધકામ અને તોડફોડની કામગીરી બંધ રહેશે. એનસીઆરમાં રાજ્ય સરકારની કચેરીઓમાં માત્ર 50 ટકા કર્મચારી જ કામ પર આવી શકશે બાકીના વર્કફ્રોમ હોમ કરશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનો નિર્ણય કેન્દ્ર સરકાર કરશે. સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ અને બિનજરૂરી કોમર્શિયલ ગતિવિધિઓને ચાલુ રાખવાનો નિર્ણય સરકાર કરી શકે છે.
GRAP-3 સ્ટેજમાં કયા પ્રતિબંધ લાગશે
- રોજ રસ્તાની સફાઈ કરાશે સાથે જ રોડ પર પાણીનો છંટકાવ કરાશે
- દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન એક્ટિવિટી બંધ રહેશે
- મંજર ઇંધણ પર નહીં ચાલનારા ઉદ્યોગ બંધ થઈ જશે. મિલ્ક-ડેરી યુનિટ અને દવા બનાવનારી કંપનીઓ ફેક્ટરીઓને છૂટ રહેશે
- દિલ્હી-એનસીઆર રિજનમાં માઇનિંગ બંધ થઈ જશે.
- સ્ટોન ક્રશર્સ અને ઈંટના ભઠ્ઠાનું કામકાજ પણ બંધ કરી દેવામાં આવશે


