- સાબરમતી નદીના પ્રદૂષણ મુદે હાઈકોર્ટ નારાજ
- કાર્યવાહી રિપોર્ટની બ્લ્યુ પ્રિન્ટ કોર્ટે સરકારને પરત કરી
- નદીના પ્રદૂષણને લઈ HCએ લીધી છે સુઓમોટો
સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ સરકારથી નારાજ છે. હાઈકોર્ટે કહ્યું કે પ્રદૂષણ નિયંત્રણ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. તમને જણાવી દઈએ કે આજે સરકારે રજૂ કરેલા કાર્યવાહી રિપોર્ટની બ્લ્યુ પ્રિન્ટ કોર્ટે પરત કરી અને કહ્યું કે સાબરમતી નદીને પ્રદૂષિત કરતા લોકોથી બચાવો અને તેમની સામે કાર્યવાહી કરો.
ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર
સાબરમતી નદીના પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સુઓમોટો લીધી છે અને જવાબદાર એકમો સામે કાર્યવાહી કરેલો રિપોર્ટ ફરીથી રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે હજુ બેદરકારી રાખો એટલે નદીની હાલત દયનીય બનશે.
નદીમાં કેમિકલ ઠાલવતા 61 એકમો સામે કરાઈ કાર્યવાહી
સાબરમતી નદીમાં કેમિકલવાળું પ્રદૂષિત પાણી છોડતાં 61 ઔદ્યોગિક એકમો સામે 2022 અને 2023ના કેલેન્ડર વર્ષ દરમિયાન પગલાં ભરાયા હતા, જે પૈકી 32 એકમોને ક્લોઝર સહિત અન્ય હુકમ કરાયા, જ્યારે 12 એકમોને કારણદર્શક નોટિસો, 16 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન તથા એક એકમને લીગલ નોટિસ અપાઈ હતી. જે 32 એકમોને તાળાં માર્યા હતા, તે પૈકી 10એે જરૂરી પૂર્તતા કરી નિયમ પાળવાનું શરૂ કરતાં તે ઉદ્યોગો ફરી ચાલુ થયા હતા.
વિધાનસભામાં આ માહિતી પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અપાઈ હતી. આ પ્રશ્નની ચર્ચામાં વિપક્ષ તરફથી એવા આક્ષેપો થયા હતા કે, સાબરમતી નદી શુદ્ધીકરણના દાવા રાજ્ય સરકાર ભલે કરતી, પરંતુ આજની તારીખે પણ ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત કેમિકલ કદડો સાબરમતી નદીમાં વહાવવાનું ચાલુ જ છે, જીપીસીબી દ્વારા આવા ઉદ્યોગોને નોટિસો આપે છે અને પછી એમની સાથે જીપીસીબીના અધિકારીઓ સેટિંગ કરે છે. દાણીલીમડા, નારોલ, શાહવાડી, સૈજપુર વગેરેના ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીને પ્રદૂષિત કરાતી હોવાની ફરિયાદ દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્યએ જ કરી હતી.


