ત્રણમાંથી બે મુકાબલા હારી ચૂકેલી ગયા વર્ષની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રનર્સ-અપ બનેલી સનરાઇઝર્સ હૈદરાબાદ ગુરુવારે આઇપીએલની મેચ માટે મેદાનમાં ઉતરશે ત્યારે બંનેનો ટાર્ગેટ વિજયપથ ઉપર પરત ફરવાનો રહેશે.
કોલકાતાએ ગઇ સિઝનમાં માત્ર ત્રણે મેચ હારી હતી પરંતુ આ વખતે પ્રથમ ત્રણ મેચમાંથી બેમાં પરાજય મળવાના કારણે સુકાની રહાણેની ટીમનો આત્મવિશ્વાસ ડગી ગયો છે. આ મેચમાં તમામની નજર ઇડન ગાર્ડન્સની પિચ ઉપર રહેશે. આરસીબી સામે સાત વિકેટે પરાજય મળ્યા બાદ ઇડનની પિચ અંગે આકરી ટીકાઓ થઈ હતી.
સ્પિનર્સથી ભરેલી કોલકાતાની ટીમ માટે સ્પિન ફ્રેન્ડલી પિચ તૈયાર કરવાનું બંગાળ ક્રિકેટ એસોસિયેશન ઉપર ભારે દબાણ છે. કોલકાતા પાસે સુનીલ નરૈન, મોઇન અલી તથા વરુણ ચક્રવર્તી જેવા અનુભવી સ્પિનર્સ છે. રિપોર્ટના અનુસાર ઇડન ગાર્ડન્સના પિચ ક્યૂરેટર મુખરજીએ પ્રથમ મેચમાં સ્પિન ફ્રેન્ડલી પિચ તૈયાર કરવાના કોલકાતાના આગ્રહને નકારી નાખ્યો હતો ત્યારથી પિચ અંગે વિવાદ સર્જાયો છે. આગામી મેચોમાં પિચનો સ્વભાગ સ્પિન ફ્રેન્ડલી થાય તે માટે એસોસિયેશનના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલી જાતે જ ક્યૂરેટર સાથે પિચની તૈયારી ઉપર ધ્યાન આપી રહ્યા છે.
પિચ ઉપરાંત કોલકાતાની ટીમ સામે કોમ્બિનેશનના પણ ઘણા સવાલ છે. તેની બોલિંગ અને બેટિંગમાં કોઈ તાલમેલ દેખાતો નથી તથા સ્ટાર ખેલાડીઓ અપેક્ષા મુજબ દેખાવ કરી રહ્યા નથી. કોલકાતાએ જે ચાર ખેલાડીઓને રિલીઝ કર્યા હતા તે તમામે લીગના પ્રથમ દસ દિવસમાં શાનદાર દેખાવ કર્યો છે.
મિચેલ સ્ટાર્કની ગેરહાજરીમાં કોલકાતાનું પેસ આક્રમણ નબળું પડયું છે. સ્ટાર્કે દિલ્હી માટે હૈદરાબાદ સામે 35 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેના સ્થાને ટીમમાં લેવાયેલો સ્પેન્સર જોન્સન સહેજ પણ પ્રભાવિત કરી શક્યો નથી. એનરિક નોર્તઝે ઈજાના કારણે બહાર છે. જંગી રકમથી ખરીદવામાં આવેલો વેંકટેશ ઐયર બે મેચમાં નવ રન બનાવી શક્યો છે.
રિટેન કરવામાં આવેલા ખેલાડીઓમાં રિંકુસિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નરૈન, હર્ષિત રાણા તથા રમનદીપસિંહ ફોર્મમાં નથી.
પ્રથમ મેચમાં છ વિકેટે 286નો સ્કોર નોંધાવનાર હૈદરાબાદની ટીમ છેલ્લી બે મેચમાં 200ના સ્કોર સુધી પણ પહોંચી શકી નથી. વધારે પડતી આક્રમક બેટિંગ કરવાની રણનીતિ ખોટી સાબિત થઈ રહી છે. પેટ કમિન્સની ટીમ ગયા વર્ષની ફાઇનલમાં કોલકાતાએ આપેલા પરાજયનો હિસાબ સરભર કરવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે. ઇડન ગાર્ડન્સ ઉપર કમિન્સ તથા મોહમ્મદ શમી ખતરનાક સાબિત થઈ શકે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શમીનું આ હોમગ્રાઉન્ડ છે.


