મુંબઈ : ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૨૩-૨૪ની માર્કેટિંગ મોસમના પ્રથમ મહિનામાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) દ્વારા ચોખાની પ્રાપ્તિ ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૯ ટકા નીચી રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
ઓકટોબરમાં એફસીઆઈ દ્વારા કુલ ૧૦૩.૫૩ લાખ ટન ચોખાની ખરીદી કરવામાં આવી છે જે ગયા વર્ષના ઓકટોબરમાં ૧૧૪.૧૩ લાખ ટન રહી હતી.
વર્તમાન વર્ષની ખરીફ મોસમમાં દેશનું ચોખાનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ ૩.૭૯ ટકા નીચુ રહી ૧૦.૬૩ કરોડ ટન રહેવા કૃષિ મંત્રાલય દ્વારા ધારણાં મૂકવામાં આવી છે, ત્યારે ટેકાના ભાવે માલ વેચવા ખેડૂતો ખાસ ઉત્સાહી જણાતા નથી. નીચા ઉત્પાદનની સ્થિતિમાં ખુલ્લા બજારમાં સારા ભાવ મળી રહેવા ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.
વર્તમાન માર્કેટિંગ મોસમમાં એફસીઆઈ ૫૨૧.૨૭ લાખ ટન ચોખા ખરીદવા ટાર્ગેટ ધરાવે છે.
ચોખાના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં નબળા વરસાદને પરિણામે ચોખાના ઉત્પાદન પર અસર જોવા મળી રહી હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. ગઈ મોસમમાં ચોખાનું ઉત્પાદન ૧૧.૦૫ કરોડ ટન રહ્યું હતું.
દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડૂમાં પેડ્ડીના પાક પર અસર થઈ છે ત્યારે પંજાબ તથા હરિયાણામાં ચોખાનો ખરીદીનો ટાર્ગેટ સિદ્ધ થાય તે જરૂરી છે. આ રાજ્યોમાં જો ખરીદી પૂરતી નહીં થાય તો અન્ય રાજ્યોમાંથી સંપૂર્ણ ટાર્ગેટ સિદ્ધ કરવાનું મુશકેલ બની રહેશે એમ એફસીઆઈના સુત્રોએ જણાવ્યું હતું.