લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. ત્યારે અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસને સૌથી મોટો ફટકો અર્જુન મોઢવાડિયાનો લાગ્યો છે. અંબરીશ ડેરે કોંગ્રેસને અલવિદા કર્યું ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી. જાન્યુઆરીના અંતમાં જ્યારે સીજે ચાવડાએ રાજીનામું આપ્યું ત્યારે પણ સીજે ચાવડાનું નામ ચર્ચામાં આવી ગયું હતું પરંતુ તેમણે આ વાતને ફગાવી દીધી હતી. જોકે, હવે તેમણે આખરે જે અટકળો હતી તેને સાચી પૂરવાર કરી દીધી છે. કોંગ્રેસ પોતાના પહેલી હરોળના નેતાને સાચવવામાં થાપ ખાઈ ગઈ હોવાની ચર્ચાઓ હવે શરુ થઈ ગઈ છે. અર્જુન મોઢવાડિયાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું સોંપ્યું છે.
એક તરફ રાહુલ ગાંધી ગુજરાત આવશે તેની તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે એક પછી એક ફટકા કોંગ્રેસને પડી રહ્યા છે. કોંગ્રેસની સ્થિતિ અંદર-અંદર પોરબંદર જેવી થઈ ગઈ હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે મોઢવાડિયા 4 દિવસ પહેલા સરકારની ટીકા કરી રહ્યા હતા અને પાંચમા દિવસે તેઓ હવે કોંગ્રેસમાં જ રહ્યા નથી.



