- રવિવારે સાંજે એર-શોમાં બે વિમાન સામસામે અથડાતા દુર્ઘટના સર્જાઈ
- વિમાન દુર્ઘટનામાં સ્પેનિશ પાયલોટનું મોત થયું
- વાયુસેનાએ મૃતકના પરિવાર પ્રત્યે દુ: ખ વ્યક્ત કર્યું
પોર્ટુગલમાં રવિવારે સાંજે એર-શો દરમિયાન વાયુસેનાના બે નાના વિમાનો હવામાં અથડાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી. આમાં વિમાન જમીન પર આવીને તૂટી પડયું હતું. જેથી એક પાયલોટનું મોત થયું હતું જ્યારે બીજો પાયલોટ ઈજાગ્રસ્ત છે. ઘાયલ પાયલોટની સારવાર ચાલી રહી છે. એર-શો દરમિયાન વિમાન દુર્ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રવિવારે સાંજે 4 વાગ્યે અકસ્માત થયો
વાયુસેનાએ આ દુર્ઘટના અંગે એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેણે જણાવ્યું હતું કે એરફોર્સ એ જાહેરાત કરતાં ખેદ વ્યક્ત કરે છે કે રવિવાર, 2 જૂને સાંજે 4:05 વાગ્યે બેજા એર શોમાં એર ડિસ્પ્લે દરમિયાન બે એરક્રાફ્ટ વચ્ચે અકસ્માત થયો હતો. એક સ્પેનિશ નાગરિકનું મૃત્યુ થયું. પોર્ટુગલના અન્ય પાયલોટને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બેજા હોસ્પિટલમાં લઈ જવામાં આવતા પહેલા તેને ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી.
પોર્ટુગીઝના સંરક્ષણ પ્રધાન નુનો મેલોએ આને દુ:ખદ અકસ્માત ગણાવ્યો હતો અને પત્રકારોને જણાવ્યું હતું કે અથડામણનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસાએ કહ્યું કે આકાશમાં એરફોર્સનો એર શો એક રોમાંચક અને સુખદ ક્ષણ હતી. પરંતુ અકસ્માતને કારણે તે ક્ષણિક દર્દમાં ફેરવાઈ ગઈ હતી.
વિમાન અકસ્માતનું કારણ
વાયુસેનાએ કહ્યું કે, છ વિમાન આકાશમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે. વિમાનો વી આકારમાં આગળ વધી રહ્યા હતા. પછી એક વિમાન નીચે આવ્યું અને ઉપરની તરફ ઉડવા લાગ્યું. આ દરમિયાન ઉપર તરફ જતું પ્લેન ગ્રુપના એક પ્લેન સાથે અથડાયું હતું. અથડામણને કારણે વિમાન આકાશમાંથી નીચે પડી ગયું હતું. એરફોર્સે જણાવ્યું હતું કે છ એરક્રાફ્ટ યાક સ્ટાર્સ નામના સ્પેનિશ અને પોર્ટુગીઝ પાઇલટ્સના એરોબેટિક જૂથના હતા. સામેલ એરક્રાફ્ટ યાકોવલેવ યાક-52, સોવિયેત-ડિઝાઇન કરેલ એરોબેટિક તાલીમ મોડેલ હતા.
એરફોર્સે જણાવ્યું હતું કે એક એરક્રાફ્ટ એરબેઝ ગ્રાઉન્ડની બહાર ક્રેશ થયું હતું અને અકસ્માતમાં સામેલ અન્ય એરક્રાફ્ટ એરપોર્ટ ટાર્મેક પર લેન્ડ કરવામાં સફળ થયું હતું. સદનસીબે, દર્શકોમાંથી કોઈને ઈજા થઈ ન હતી. મળતી માહિતી અનુસાર, યાક સ્ટાર્સ લગભગ 30 અન્ય યુરોપિયન એરોબેટિક જૂથો સાથે ભાગ લઈ રહ્યા હતા. બેજા એરપોર્ટ પર શોના આયોજકોએ શનિવારથી શરૂ થનારી ઇવેન્ટને કેન્સલ રાખી છે, એમ એરફોર્સે જણાવ્યું હતું. વાયુસેનાએ મૃતક પાયલોટના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.


