32 વર્ષીય યુવકનું મોત થતાં પ્રથમ પીએમ કરાયું : ગાંધીગ્રામ પોલીસ મથકના કેસોનું પીએમ એઇમ્સમાં થશે
રાજકોટમાં એઇમ્સ શરૂ થયા બાદ દિલ્હી કે દેશના અન્ય મહાનગરો કક્ષાની કોઇ સુવિધા નથી તેવી વ્યાપક ફરિયાદ છે અનેક મહત્વના દર્દીઓને હજુ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને ઝનાના હોસ્પિટલમાં એઇમ્સમાંથી મોકલવામાં આવે છે. આ વચ્ચે હવે આંશિક લેવલે પોસ્ટમોર્ટમની સુવિધા શરૂ કરવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ પરનું ભારણ ઘટાડવા માટે તંત્રએ તાજેતરમાં રાજકોટને મળેલી એઇમ્સ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ શરૂ કરી દેવામાં આવ્યું છે ગઈકાલે પ્રથમ 32 વર્ષીય મૃત્યુ પામેલા યુવકનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.
રાજકોટ શહેરની ભાગોળે આવેલી એઈમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો 32 વર્ષીય યુવક કુદરતી રીતે મૃત્યુ પામતા તે દર્દીનું ઓટોપસી બ્લોક ખાતે ફોરેન્સિક વિભાગના વડા પ્રોફેસર ડો. સંજય ગુપ્તા અને ડોક્ટર ઉત્સવ પારેખ દ્વારા પ્રથમ પોસ્ટમોટમ કરવામાં આવ્યું હતું. એઇમ્સ ખાતે આ પહેલું પોસ્ટમોર્ટમ હતું આથી યુવકના મૃત્યુનું કારણ જાણવા માટે આ પીએમ પ્રોસિજર કરવામાં આવી હતી. ખાસ કરીને અકસ્માત, શંકાસ્પદ મોત કે હત્યા અને આત્મહત્યા જેવી ઘટનામાં લાશનું પીએમ કરવામાં આવે છે ત્યારે રાજકોટની સરકારી હોસ્પિટલ પર વધી રહેલા ભારણને ઘટાડવા માટે તંત્રએ એઇમ્સ ખાતે પોસ્ટમોર્ટમની શરૂઆત કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટની એઇમ્સમાં પીએમ માટે સરકારની મંજૂરી આવી ગઈ છે. હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળ આવતા કેસોનું એમ્સ ખાતે પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું છે. આમ પણ એઇમ્સ ખાતે અત્યાધુનિક સાધન સામગ્રી હોવાથી પીએમમાં ઝડપ આવવાની સાથે ફોરેન્સિક પીએમ થકી ઈન્વેસ્ટિગેશનમાં પણ ઘણા ફેરફારો આવશે.