- સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીયોનો સવિશેષ આભાર માન્યો
- બાંગ્લાદેશ, પાક.માં માત્ર હિન્દુ હોવાથી જેમના પર હુમલા કરાય છે તેમનું કાયમ સમર્થન
- ગીર્ટ વાઇલ્ડર્સનો પક્ષ પીવીવી નેધરલેન્ડનો ત્રીજો સૌથી મોટો રાજકીય પક્ષ
નેધરલેન્ડમાં ચૂંટણીમાં મોટી જીત મેળવનારા ગીર્ટ વાઇલ્ડર્સ ફરી એકવાર હિન્દુઓના સમર્થનમાં આવ્યા છે. ચૂંટણી જીત્યા બાદ તેમણે ભારતનો સવિશેષ આભાર માન્યો છે. ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં વાઇલ્ડર્સના પક્ષ પાર્ટી ફોર ફરીડમે (પીવીવી) સ્પષ્ટ જીત મેળવી હતી. હાલ તેઓ ગઠબંધનને લઈને કેટલાક રાજકીય પક્ષો સાથે સલાહમસલત કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે ચૂંટણી જીતવા બદલ મને અભિનંદન આપનારા દુનિયાભરના મારા મિત્રોનો આભાર. ભારતમાંથી ઘણા મેસેજ આવી રહ્યા છે. જે હિન્દુઓ પર બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં માત્ર હિન્દુ હોવાના કારણે હુમલા કરાય છે કે ધમકાવાય છે તેમનું હું હંમેશા સમર્થન કરતો રહીશ. ગીર્ટ વાઇલ્ડર્સનો પક્ષ પીવીવી નેધરલેન્ડનો ત્રીજો સૌથી મોટો રાજકીય પક્ષ છે. તેઓ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડચ વર્ઝન તરીકે પણ જાણીતા છે. તેમને ઘણીવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ તેઓ હંમેશા સુરક્ષાઘેરામાં રહે છે. નેધરલેન્ડના સૌપ્રથમ જમણેરી વડાપ્રધાન બની શકે છે.
યુરોપમાં ઇસ્લામિક સંસ્કૃતિને કોઈ સ્થાન નથી
ઇટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું છે કે યુરોપમાં ઇસ્લામિક સંસ્કૃતિને કોઈ સ્થાન નથી. યુરોપના ઇસ્લામીકરણના ભરપૂર પ્રયાસ કરાયા છે પણ તેના મૂલ્યો યુરોપની સંસ્કૃતિ સાથે મેળ નથી ખાતા. યુરોપની સંસ્કૃતિ અને ઇસ્લામિક સંસ્કૃતિની ઘણી વાતો તદ્દન અલગ છે. મૂલ્યો અને અધિકારો મામલે પણ ઘણો તફાવત છે. તેથી યુરોપમાં ઇસ્લામિક સંસ્કૃતિને કોઈ સ્થાન નથી. ઇટાલીમાં બનેલા ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને સાઉદી પાસેથી ભંડોળ મળે છે. સાઉદીમાં શરિયતના કાયદા લાગુ છે જ્યારે યુરોપમાં અમારા કલ્ચર વિરુદ્ધ ઇસ્લામીકરણ ચાલી રહ્યું છે.


