ભાવનગરમાં વિજલાઇનમાં ફસાયેલી પતંગ કાઢવા જતાં શોર્ટસર્કિટથી બાળકનું મોત
બે બહેનોને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાઇ : એકના એક દિકરાનું મોત થતા પરિવારમાં શોક છવાયો
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગર શહેરના મોટા શીતળા માતા મંદિર પાછળ આવેલા શિવનગર હનુમાનવાડી વિસ્તારમાં સમી સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. બે માળના મકાનની અગાશી પર પરિવારના ત્રણ બાળકો પતંગ ચગાવી રહ્યા હતા. પતંગ ચગાવતી વખતે અગાશી પાસેથી પસાર થતી 11 કેવીની હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી. આ ફસાયેલી પતંગ કાઢવા જતાં ત્રણેય બાળકો વીજ લાઈનના સંપર્કમાં આવી ગયા હતા અને તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
આ કરુણ દુર્ઘટનામાં પરિવારના એકના એક પુત્ર નિકુંજ ગોપાલભાઈ મકવાણાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેની સાથે રહેલી બે સગી બહેનો પણ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમાં મનસ્વી મકવાણાની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે અન્ય બહેન દ્રષ્ટિ મકવાણાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
પ્રાથમિક વિગત અનુસાર, નિકુંજ ગોપાલભાઈ મકવાણા જે શહેરના ઘોઘારોડ 14 નાળા ઉદયવીર હનુમાનજી મંદિરની બાજુમાં રહેવાસી છે જે તેના દાદા વિજયભાઈ મકવાણાના ઘરે પતંગ ચગાવવા ગયો હતો ને તેની બહેનો સાથે પતંગ ચગાવી રહ્યો હતો. તે સમયે 11 કેવીની લાઈનમાં શોક લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
મહત્વની વાત તો એ છે કે તેના પિતાનો એકમાત્ર દીકરો હતો તે એકના એક દીકરાનું શોક લાગતા મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે. ઉત્તરાયણ પૂર્વે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શિવનગર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગોપાલભાઈએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને ઘરમાં માતમ છવાઈ ગયો છે.
આ બનાવ અંગે વલ્લભ કટારીયાએ જણાવ્યું હતું કે, અમારા પાડોશમાં રહેતા ગોપાલભાઈનો બાબો નિકુંજ અને તેમના ભાઈની બેબી મનસ્વી અને દ્રષ્ટિને ઇલેવનની લાઇન સાથે પતંગ ઉડાડતા શોક લાગેલ, એને કારણે નિકુંજનું દેહાંત થયેલ છે, તેમજ બે દીકરીને પણ શોક લાગ્યો હતો.
કટારીયાએ વધુમાં જણાવ્યું કે, તેથી આવા આકસ્મિક બનાવ ના બને અને કોઈના વ્હાલસોયા દીકરા દીકરીઓ આકસ્મિક મૃત્યુને ના ભેટે, એટલે અમારી નમ્ર વિનંતી સરકારને છે કે, સરકાર તરફથી જે કાંઈ ગરીબ પરિવાર હોય મજૂર વર્ગ હોય તો એમને જે કાંઈ સહાય મળતી હોય તે સહાય કરવા અમારી નમ્ર વિનંતી છે.


