ભાદરવા સુદ આઠમે શ્રીકૃષ્ણપ્રિયા રાધાજીનો જન્મ થયો હતો, તેથી તે દિવસ રાધાષ્ટમી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે મહારાજ વૃષભાનું તથા પત્ની કીર્તિને ત્યાં ભગવતી રાધા અવતરિત થયાં હતાં. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પંદર દિવસ બાદ અષ્ટમીએ રાધાજીનો જન્મ દિવસ માનવામાં આવે છે. રાધાષ્ટમીના દિવસે ઉત્તર પ્રદેશના બરસાનામાં હજારો શ્રદ્ધાળુઓ એકત્ર થાય છે. રાધા રાણીનું જન્મસ્થળ રાવલ બરસાના મથુરાથી આશરે પચાસ કિલોમીટર દૂર આવેલું છે.
રાધાષ્ટમીએ વ્રત પણ રાખવામાં આવે છે. નારદપુરાણ અનુસાર રાધાષ્ટમીનું વ્રત કરનાર ભક્ત વ્રજનાં દુર્લભ રહસ્યોને પણ જાણી લે છે.
શ્રીકૃષ્ણની ભક્તિ, પ્રેમ અને રસની ત્રિવેણી જ્યારે હૃદયમાં પ્રવાહિત થાય છે, ત્યારે મન તીર્થ બની જાય છે. સત્યમ શિવમ્ સુંદરમનો આ મહાભાવ જ રાધાભાવ કહેવાય છે. શ્રીકૃષ્ણ વૈષ્ણવોના પરમ આરાધ્ય છે. વૈષ્ણવ શ્રીકૃષ્ણને જ પોતાના સર્વસ્વ માને છે. શ્રીકૃષ્ણ જ આનંદનું મૂર્તિમાન સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ પ્રેમની સર્વોચ્ચ અવસ્થા જ રાધાભાવ છે.
રાધાષ્ટમીના દિવસે રાધાજીને પંચામૃતથી સ્નાન કરાવવું અને તેમનો શૃંગાર કરવો. સ્નાનાદિ કાર્યથી પરવારી પૂજાસ્થાનમાં બાજઠ પર માટી અથવા તાંબાનું શુદ્ધ વાસણ રાખીને તેના પર બે વસ્ત્રોથી ઢાંકેલી રાધાજીની સુવર્ણ અથવા અન્ય કોઈ પણ ધાતુમાંથી બનેલી મૂર્તિની સ્થાપના કરવી, ત્યારબાદ મધ્યાહનના સમયે શ્રદ્ધા, ભક્તિપૂર્વક રાધાજીની પૂજા કરવી. ભોગ ધરાવીને ધૂપ-દીપ, પુષ્પ વગેરેથી રાધાજીની આરતી કરવી. જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ રાખવો અને રાત્રિ જાગરણ પણ કરવું. બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને રાધાજીની મૂર્તિ તેમને દાન કરવી. પછી ભોજન ગ્રહણ કરવું. આ રીતે રાધાષ્ટમીનું વ્રત કરવું જોઈએ. વિધિપૂર્વક તથા શ્રદ્ધાથી આ વ્રત કરનાર પાપથી મુક્ત થઈ જાય છે તથા આ લોક અને પરલોકનાં તમામ સુખ ભોગવે છે.
રાધાકૃષ્ણ એક છે
એકવાર રાધાજીએ શ્રીકૃષ્ણને કહ્યું, `કાન્હા, તમે પ્રેમ મને કરો છો ને?’
આ સાંભળી શ્રીકૃષ્ણએ કહ્યું, `રાધા, તું આવું કેમ કહી રહી છે?’ ત્યારે રાધાજીએ કહ્યું, `તમે પ્રેમ મને કરો છો તો વિવાહ રુક્મિણી સાથે કેમ કર્યા?’
હળવા સ્મિત સાથે શ્રીકૃષ્ણએ કહ્યું, `રાધે! વિવાહ કરવા માટે બે લોકોની જરૂર હોય છે અને તું અને હું તો એક જ છીએ.’ આટલું સાંભળતાંની સાથે જ રાધાજીની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી.