મહાકુંભ મેળાને લઇને એવી પણ ધાર્મિક માન્યતા છે કે, ગંગા નદીમાં કુંભ મેળા દરમિયાન સ્નાન કરવાથી જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે, તેથી દેશ-વિદેશમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્નાન કરવા માટે પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અથવા નાસિક પ્રસ્થાન કરે છે.
જોકે, સૌ કોઇને એ પ્રશ્ન પણ ઉદ્ભવતો જ હશે કે, માત્ર આ ચાર શહેરોના નદીકિનારે જ કેમ કુંભ મેળો ભરાતો હશે? જે માટે પૌરાણિક ગ્રંથોમાં આ કુંભનો સીધો સંબંધ દર્શાવ્યો છે જે જાણવો ખૂબ જ જરૂરી બને છે. કુંભનું આ મહાપર્વ 12 વર્ષના અંતરે પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અથવા તો નાસિકમાં આવેલી નદીના તટ પર ધામધૂમથી અને સંપૂર્ણ ભક્તિભાવથી ઊજવવામાં આવે છે. જેમાં હરિદ્વારમાં ગંગા નદી, ઉજ્જૈનમાં શિપ્રા નદી, નાસિકમાં ગોદાવરી નદી અને પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ કહેવાતી ગંગા, યુમના અને સરસ્વતી નદીનો સમાવેશ થાય છે.
કઇ ધાર્મિક માન્યતાને કારણે મહાકુંભ મેળાનું પર્વ મનાવવામાં આવે છે?
હિંદુ ધર્મની માન્યતા અનુસાર બૃહસ્પતિ (ગુરુ) કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે. ઉપરોક્ત દર્શાવેલ ચાર સ્થળોમાંથી સૌથી વધુ મહત્ત્વ પ્રયાગરાજના કુંભ મેળાનું ગણવામાં આવે છે. કુંભનો અર્થ કળશ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ કુંભ રાશિનું જ ચિહ્ન જોવા મળે છે. અલબત્ત, કુંભ મેળાની પૌરાણિક માન્યતા પણ ખાસ કરીને અમૃત મંથન સાથે જ જોડાયેલી જોવા મળે છે.
પ્રયાગરાજ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં મહાકુંભ મેળો શા માટે યોજાય છે?
પ્રયાગરાજ
પ્રયાગરાજનો ત્રિવેણી સંગમ એટલે કે, ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ. અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં પૂરા ભક્તિભાવથી ઊમટી પડે છે. ગંગા-યમુનાની ઓળખ તેના લીલા રંગથી થાય છે. જ્યારે સરસ્વતી નદીને પૌરાણિક અને અદૃશ્ય માનવામાં આવે છે. પ્રયાગરાજ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં યોજાતા કુંભ મેળામાં પ્રયાગરાજના કુંભ મેળાનું અનેરું અને વિશેષ માહાત્મ્ય છે.
પ્રયાગરાજમાં કુંભ મેળો ક્યારે યોજાય છે?
મેષ રાશિના ચક્રમાં ગુરુ તેમજ સૂર્ય ઉપરાંત ચંદ્રના મકર રાશિમાં પ્રવેશ થવાથી અમાવસ્યા (અમાસ)ના દિવસે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. અન્ય એક ગણતરી પ્રમાણે મકર રાશિમાં સૂર્યનું અને વૃષભ રાશિમાં ગુરુનો પ્રવેશ થવાથી કુંભ મેળાનું આયોજન અહીં કરવામાં આવે છે.
હરિદ્વાર
હરિદ્વારમાં `હર કી પૌડી’ પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે અને અહીં અનુષ્ઠાન સ્નાન કરતા હોય છે. ઉત્તરાખંડના આ પવિત્ર શહેર હરિદ્વારનો આ પ્રસિદ્ધ ઘાટ છે. જ્યાં ગંગા નદી પહોડોને છોડીને મેદાનના વિસ્તારોમાં કલરવ કરતી પ્રવેશ કરે છે. નોંધનીય છે કે, પૌરાણિક ગ્રંથોમાં હરિદ્વારને તપોવન, માયાપુરી, ગંગાદ્વાર ઉપરાંત મોક્ષદ્વારના નામે ઓળખવામાં આવતું હતું. અહીં ઊજવાતા કુંભ મેળાની તિથિ માટે સૂર્ય, ચંદ્ર અને ગુરુની સ્થિતિ પદ્ધતિસર જોવામાં આવે છે.
હરિદ્વારમાં કુંભ મેળો ક્યારે યોજાય છે?
કુંભ રાશિમાં ગુરુનો પ્રવેશ થવાથી તેમજ મેષ રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાથી કુંભ મેળાનું આયોજન હરિદ્વારમાં કરવામાં આવે છે. નોંધનીય છે કે હરિદ્વાર અને પ્રયાગરાજમાં બે કુંભ મેળા વચ્ચે છ વર્ષના અંતરે અર્ધકુંભનું આયોજન પણ કરવામાં આવે છે.
નાસિક
અહીં ત્ર્યંબકેશ્વર શિવજી મંદિર અને રામ કુંડમાં ગોદાવરી નદીના તટ પર પૂજા અને સ્નાનનું અનેરું ધાર્મિક મહત્ત્વ છે. અહીં યોજાતા મેળાને નાસિક ત્ર્યંબક કુંભ મેળાના નામથી ઓળખવામાં આવે છે. દેશના કુલ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વરમાં આવેલું છે, જે નાસિકથી અંદાજિત 38 કિમી. દૂર આવેલું છે. તેમજ ગોદાવરી નદીનું ઉદ્ગમ પણ અહીંથી જ થાય છે. 12 વર્ષમાં એકવાર સિંહસ્થ કુંભ મેળો નાસિક અને ત્ર્યંબકેશ્વરમાં ઊજવાય છે. પૌરાણિક ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે નાસિકમાં પણ અમૃત કળશનાં કેટલાંક ટીપાં પડ્યાં હતાં. અહીં યોજાતા કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ ગોદાવરી નદીના પવિત્ર જળમાં સ્નાન કરીને આત્મ શુદ્ધીકરણ અને મોક્ષની પ્રાર્થના કરીને જીવન ધન્ય બનાવે છે. અહીં શિવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે.
નાસિકમાં કુંભ મેળાનું આયોજન ક્યારે કરવામાં આવે છે?
સિંહ રાશિમાં ગુરુનો પ્રવેશ થવાથી કુંભ મેળાનું આયોજન ગોદાવરી નદીના તટ પર નાસિકમાં યોજવામાં આવે છે. અમાસના દિવસે ગુરુ, સૂર્ય અને ચંદ્રનો કર્ક રાશિમાં પ્રવેશ થવાથી પણ કુંભ મેળો ગોદાવરી નદીના તટે યોજવામાં આવે છે. તેથી જ આ મેળાને સિંહસ્થ કહેવામાં આવે છે, કારણ કે આમાં સિંહ રાશિમાં ગુરુનો પ્રવેશ થાય છે.
ઉજ્જૈન
ઉજ્જૈનનો અર્થ વિજયની નગરી થાય છે. મધ્યપ્રદેશના ઈન્દોરથી અંદાજિત 55 કિમી. દૂર શિપ્રા નદીના તટ પર વસેલું ઉજ્જૈન ખૂબ જ પવિત્ર અને ધાર્મિક સ્થળ છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શૂન્ય ડિગ્રી ઉજ્જૈનથી શરૂ થાય છે. ઉલ્લેખનીય છે કે મહાભારતના અરણ્ય પર્વ અનુસાર ઉજ્જૈન 7 પવિત્ર મોક્ષપુરી અથવા તો સપ્તપુરીમાંથી એક ગણવામાં આવે છે. (મહાભારતના ત્રીજા પર્વને અરણ્ય પર્વ (વનપર્વ) તરીકે ઓળખવામાં આવે છે.
ઉજ્જૈનમાં કુંભ મેળાનું ક્યારે આયોજન કરવામાં આવે છે?
સિંહ રાશિમાં ગુરુ તેમજ મેષ રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાથી ઉજ્જૈનમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય કાર્તિક અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર એકસાથે થવાથી, ઉપરાંત ગુરુનો તુલા રાશિમાં પ્રવેશ થવાથી મોક્ષદાયક કુંભ મેળાનું આયોજન અહીં કરવામાં આવે છે. આ કુંભ મેળાને પણ સિંહસ્ત કહેવામાં આવે છે, કારણ કે આમાં સિંહ રાશિમાં ગુરુનો પ્રવેશ થાય છે.
મહાકુંભ મેળા સાથે જોડાયેલી પૌરાણિક કથા
સમુદ્રમંથન વિશેની કથાથી સૌ કોઇ અવગત હશે જ! જ્યારે દેવતાઓ અને રાક્ષસો દ્વારા સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી નીકળેલાં તમામ રત્નોને દેવ અને દાનવો વચ્ચે વહેંચી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સમુદ્રમંથનમાંથી અમૃતનો કળશ નીકળે છે, જેને પામવા દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ જામે છે! આ દરમિયાન દાનવોથી અમૃતના કળશને બચાવવા માટે ભગવાન વિષ્ણુ તે કળશ ગરુડને આપી દે છે. હવે આ દાનવો અમૃત કળશને પામવા ખૂબ જ મહેનત કરે છે અને ગરુડ પાછળ દોડે છે. દાનવો ગરુડ સાથે ઝપાઝપી કરે છે તે સમયે કળશમાંથી અમૃતનાં કેટલાંક ટીપાં છલકાઇને પ્રયાગરાજ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પડે છે. ત્યારથી જ 12 વર્ષે અહીં આ ચાર સ્થાનો પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય અન્ય એક ધાર્મિક માન્યતા એ પણ છે કે, આ અમૃત કળશ માટે દેવતાઓ અને દાનવો વચ્ચે બાર દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું હતું. હિન્દુ પંચાંગ અનુસાર દેવતાઓના બાર દિવસ એટલે કે મનુષ્યોના બાર વર્ષ માનવામાં આવે છે, તેથી જ કુંભનું આયોજન દર બાર વર્ષે કરવામાં આવે છે. તેમજ કુંભ પણ બાર હોય છે જેમાંથી ચાર કુંભનું આયોજન ધરતી પર અને શેષ(બાકીના) આઠનું દેવલોકમાં હોય છે.
પૌરાણિક ગ્રંથો જેવાં કે નારદીય પુરાણ, શિવપુરાણ તેમજ વરાહ પુરાણ ઉપરાંત બ્રહ્મપુરાણોમાં પણ કુંભ અને અર્ધ કુંભના આયોજનને લઇને જ્યોતિષીય વિશ્લેષણનો ઉલ્લેખ દર્શાવવામાં આવ્યો છે. કુંભ મેળો દર ત્રણ વર્ષના અંતરે હરિદ્વારથી પ્રારંભ થાય છે. હરિદ્વાર પછી કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં કરવામાં આવે છે. પ્રયાગરાજ અને હરિદ્વારમાં મનાવવામાં આવતા કુંભ મેળા તેમજ પ્રયાગ અને નાસિકમાં મનાવવામાં આવતા કુંભ મેળા વચ્ચે ત્રણ વર્ષનું અંતર હોય છે.
વર્ષ 2025માં મહાકુંભ ક્યારે છે?
હવે પછીનો કુંભ મેળો વર્ષ 2025માં એટલે કે થોડા દિવસો પછી પ્રયાગરાજમાં ઊજવવામાં આવશે. આ મેળો તારીખ 13 જાન્યુઆરીની પોષ પૂર્ણિમાથી શરૂ થશે, 14 જાન્યુઆરીને મકરસંક્રાંતિના રોજ શાહી સ્નાન, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાનું શાહી સ્નાન તેમજ 3 ફેબ્રુઆરીએ વસંતપંચમીનું અંતિમ સ્નાન રહેશે. આ દરમિયાન 4 ફેબ્રુઆરીએ અચલા સપ્તમી, 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમા અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિએ અંતિમ સ્નાનનું પર્વ રહેશે. અલબત્ત, આ મહાકુંભ 45 દિવસ સુધી ચાલશે, જેમાં ત્રણ શાહી સ્નાન 21 દિવસમાં પૂર્ણ થશે.