પ્રાર્થનાના મહત્ત્વનાં અંગ
તમારી પ્રાર્થના પ્રભુ સુધી પહોંચે તે માટે આપણા આરાધ્યદેવ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ, સકારાત્મક વિચાર, શાંત મન અને તેમાં ઈશ્વરની છબિ હોવી જોઈએ. પ્રાર્થના કરતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
પ્રાર્થના માટે સૌથી પહેલાં નમ્રતા હોવી જરૂરી છે. ખૂબ જ વિનમ્ર ભાવે પોતાના મનની તીવ્ર ઈચ્છાને ઈશ્વર સમક્ષ રાખવાથી તમારી પ્રાર્થનામાં ઈશ્વરની શક્તિ ઊતરે છે. જ્યાં સુધી તમે તમારા જ્ઞાન અને શક્તિ પર ગુમાન રાખો છો ત્યાં સુધી ઈશ્વર સામે આવતા નથી એટલે કે દર્શન આપતા નથી. ઘમંડ અને ભક્તિનો દેખાડો ઈશ્વરપ્રાપ્તિમાં સૌથી મોટી બાધા છે. પ્રાર્થના કરતી વખતે અહંકાર ઉત્પન્ન ન થાય તો જ ઈશ્વરની સમીપ પહોંચી શકાય છે.
દરેકના ઈષ્ટદેવ અલગ અલગ હોય છે. ઈશ્વરનાં વિવિધ સ્વરૂપ પર ભરોસો હોય છે, તેથી આપણે જે ભગવાન કે માતાજીની આરાધના કરીએ તેમની વિશેષતાઓ અને સ્વભાવ વિશે જ્ઞાન હોવું જોઈએ. ઈશ્વરના ગુણોનું જ્ઞાન તેમનું ધ્યાન ધરવામાં મદદરૂપ બને છે. પ્રાર્થના કરતી વખતે આપણે એ પરમ શક્તિ પર એવો વિશ્વાસ રાખવો જોઈએ કે તેઓ આપણી હૃદયપૂર્વક કરેલી પ્રાર્થનાને સ્વીકારશે જ.
ઈશ્વરનું ધ્યાન કરતી વખતે કે પ્રાર્થના કરતી વખતે સંપૂર્ણપણે ઈશ્વરમાં સમાઈ જવું જોઈએ. ઈશ્વરમય બની જવું જોઈએ, ઈશ્વર ભક્તિમાં ડૂબી જવું જોઈએ. પ્રાર્થના કરતી વખતે જ્યારે આપણે પોતાને ભૂલી જઈએ અને માત્ર ઈશ્વરને યાદ રાખીએ ત્યારે આપણી પ્રાર્થના સાર્થક સિદ્ધ થાય છે. પ્રાર્થના કરતી વખતે આપણી અને ઈશ્વરની ચિંતાઓ લુપ્ત થઈ જાય છે અને ઈશ્વરે પ્રાર્થના સ્વીકારવી પડે છે.
પ્રાર્થના કરતી વખતે એક ધ્યાન હોવું અત્યંત જરૂરી છે. મન જ્યાં સુધી અસ્થિર હશે કે ભટકતું રહેશે ત્યાં સુધી તમારી પ્રાર્થના ઈશ્વર સુધી નહીં પહોંચી શકે. પ્રાર્થના કરતી વખતે કોઈ પણ પ્રકારની ઈચ્છા, આવેશ કે અસંતુષ્ટિ હોવી જોઈએ નહીં.
પ્રાર્થનાની શક્તિ
એક સાધુ ભગવાન શ્રીકૃષ્ણનો અનન્ય ભક્ત હતો. તે વૃંદાવનમાં હંમેશાં ભગવાનની ઉપાસનામાં લીન રહેતો હતો. તે કલાકો સુધી ઊભો રહીને પ્રભુના અલૌકિક રૂપને નિહાળ્યા કરતો, પરંતુ ગિરિધર ગોપાલે તેને ક્યારેય દર્શન ન આપ્યાં. એકવાર તે ભક્તિની ધીરજ ખૂટી પડી અને હતાશામાં જોર જોરથી ભગવાનની મૂર્તિ સામે ઊભો રહીને બોલવા લાગ્યો કે, `હું બહુ મોટો પાપી છું, કદાચ તેથી જ મુરલીધરે આટઆટલી ઉપાસના કરવા છતાં પણ મને દર્શન આપ્યાં નથી. તેના કરતાં સારું છે કે હું મારા પ્રાણ ત્યાગી દઉં.’
આમ વિચારીને તે ભક્ત અંધારું થતાં જ પોતાની કુટિરમાંથી બહાર નીકળ્યો અને યમુનાજી તરફ ચાલવા લાગ્યો. તેણે મનોમન નિશ્ચય કરી લીધો હતો કે આજે તો હું યમુનાજીની પવિત્ર લહેરોમાં કૂદીને મારા પ્રાણ ત્યાગી દઈશ. આવા વિચારો કરતાં કરતાં તે યમુના તટ તરફ આગળ વધી રહ્યો હતો. ત્યાં રસ્તામાં એક કોઢથી પીડિત વ્યક્તિએ તેના પગ પકડી લીધા. વાસ્તવમાં એ કોઢપીડિતને સ્વપ્નમાં આવીને ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે થોડા સમય પછી અહીંથી એક ભક્ત યમુના તટ તરફ જતો મળશે. તું તેના પગ પકડી લેજે અને કહેજે કે તારો કોઢ દૂર કરી દે.
કોઢીએ પોતાના પગ પકડ્યા છે તે જોઈને ભક્તે કહ્યું, `મારા જેવા અભાગિયાના પગ શા માટે પકડો છો? કોઈ સાધુ-મહાત્માના પગ પકડશો તો તમારું કલ્યાણ થશે.’ છતાં પણ તે વ્યક્તિએ પગ ન છોડ્યા અને કહ્યું, `મારા કોઢ દૂર કરી દો. તેના માટે તમે પ્રભુને પ્રાર્થના કરશો તો મારા કોઢ જરૂર દૂર થઈ જશે.’ ભક્તે કહ્યું, `ભાઈ, જો આવું હોત તો હું આજે મારા પ્રાણ ત્યાગવા ન જતો હોત. હું ઘણાં વર્ષોથી શ્રીકૃષ્ણની આરાધના કરી રહ્યો છું, પરંતુ તેમણે આજ સુધી મને દર્શન આપ્યાં નથી, તો હવે મારી વાત ક્યાંથી માનવાના?’
કોઢી વ્યક્તિએ કહ્યું, `ભક્ત છો, તો એકવાર સાચા મનથી તેમને મારા માટે પ્રાર્થના તો કરી જુઓ. માત્ર એટલું કહો કે હે ગોપાલ, આ કોઢીના કોઢ દૂર કરી દો. પછી તમારે કશું કરવાનું નથી.’ ત્યારબાદ ભક્તે કરુણાભર્યા સ્વરમાં ભગવાનને પ્રાર્થના કરી કે, `હે બંસીધર, આ વ્યક્તિનો કોઢ દૂર કરી દો.’ આટલું કહેતાંની સાથે જ તે વ્યક્તિના કોઢ દૂર થઈ ગયા. જોતજોતાંમાં તેની કાયા નીરોગી બની ગઈ.
આ ચમત્કાર જોઈને ભક્ત આશ્ચર્યમાં પડી ગયો. તેણે યમુનામાં જઈને પ્રાણ ત્યાગવાનો વિચાર છોડી દીધો અને પોતાની કુટિરમાં પાછો ગયો. તેને મોડી રાત સુધી ઊંઘ ન આવી. સવાર થતાંની સાથે જ તે બિહારીજીનાં દર્શન કરવા મંદિરમાં પહોંચી ગયો. તેને એવું પ્રતીત થયું કે મૂર્તિ તેની સામે જોઈને સ્મિત કરી રહી છે. ભક્તે હાથ જોડીને કહ્યું, `હે, મુરારી, આ તમારી કેવી લીલા છે! તમે અનેક વર્ષો સુધી આરાધના કરવા છતાં પણ મને દર્શન નથી આપ્યાં અને આજે મને ન્યાલ કરી દીધો!’
શ્રીકૃષ્ણે કહ્યું, `તેં મારી પાસે કંઈ માગ્યું જ નથી. પહેલીવાર તેં એક દુ:ખી કોઢી વ્યક્તિને ઠીક કરવાની પ્રાર્થના કરી. તારી આરાધના કરતાં પણ તારી પ્રાર્થનામાં વધારે શક્તિ છે, તેથી મેં તારી વાત માની લીધી. ભગવાને તો ભક્તિની વાત માનવી જ પડે છે.’ આટલું સાંભળી ભક્ત ખુશ થઈને રડવા લાગ્યો અને તેને પ્રાર્થનાની શક્તિનો અહેસાસ થઈ ગયો.
પ્રાર્થના કરવાથી થતા લાભ
સાચા મનથી પ્રાર્થના કરીને જે પણ માંગવામાં આવે છે તે જરૂર મળે છે.
નિયમિત પ્રાર્થના કરવાથી મન સ્થિર અને મગજ શાંત રહે છે.
પ્રાર્થનાથી ક્રોધ, અસ્થિર મન, નકારાત્મક વિચારો પર વિજય મેળવી શકાય છે.
દરરોજ પ્રાર્થના કરવાથી સ્મરણશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે.
પ્રાર્થના કરવાથી સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે તથા શરીર નીરોગી બને છે.
પ્રાર્થના કરવાથી ઈશ્વર પરના વિશ્વાસ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.
આરતી, પૂજા-પાઠ, મંત્રજાપ વગેરે ક્રિયાઓ જેટલી જ શક્તિ પ્રાર્થનામાં રહેલી છે.
અંત:કરણપૂર્વક પ્રાર્થના કરવાથી તમામ પ્રકારનાં સંકટો દૂર થાય છે.
પ્રાર્થના વાતાવરણને પવિત્ર બનાવે છે, તેથી જ શાળાઓમાં પ્રથમ પ્રાર્થના કરવામાં આવે છે.
પ્રાર્થના કરનાર વ્યક્તિમાં વિનમ્રતા, સહનશીલતા, ધીરજ, પ્રેમ વગેરે જેવા ગુણો વિકાસ પામે છે.
નિયમિત રીતે પ્રભુ પ્રાર્થના કરનાર વ્યક્તિ પોતાનાં તથા અન્યનાં દુ:ખ અને સંકટો દૂર કરી શકે છે.
પ્રાર્થના વ્યક્તિને પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે.