- 600 જેટલી શાળાના 40,000થી વધારે વિદ્યાર્થીઓ પ્રિ બોર્ડ પરીક્ષા આપશે
- તમામ કાર્યવાહી બોર્ડની પરીક્ષાની રીતે જ કરવામાં આવશે
- ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે
ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત થવાની છે. ત્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
600 જેટલી શાળાના 40,000થી વધારે વિદ્યાર્થીઓ પ્રિ બોર્ડ પરીક્ષા આપશે
અમદાવાદ શહેરની 600 જેટલી શાળાના 40,000થી વધારે વિદ્યાર્થીઓ પ્રિ બોર્ડ પરીક્ષા આપશે. ધોરણ 10માં મહત્વના ગણાતા વિશે એવા ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે. આગામી જાન્યુઆરી માસમાં શાળા કક્ષાએ પ્રિલિમ પરીક્ષાનું આયોજન થવાનું છે, જેની સાથે જ જિલ્લા શિક્ષણ વિભાગ આ પરીક્ષાનું સંચાલન કરશે. જેની ખાસિયત એ છે કે બોર્ડની પરીક્ષાની માફક જ આ પરીક્ષા લેવામાં આવશે, એટલે કે પ્રશ્નપત્ર પણ સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી કાઢવામાં આવશે.
તમામ કાર્યવાહી બોર્ડની પરીક્ષાની રીતે જ કરવામાં આવશે
વિદ્યાર્થીઓની હોલ ટિકિટ, વિદ્યાર્થીઓની શાળામાં પરીક્ષા આપતા સમયે વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા, પરીક્ષા કેન્દ્ર પર તપાસ કરીને પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત પરીક્ષા આપતા સમયે ઉત્તરવહી બારકોડ સહિતની તમામ કાર્યવાહી બોર્ડની પરીક્ષાની રીતે જ કરવામાં આવશે. જેથી કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના માહોલ અંગે અવગત થાય. ગયા વર્ષે પણ કચેરી દ્વારા પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે પહેલી વાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. આ ઉપરાંત કચેરીને ધોરણ 10 ની માફક 12 માં ધોરણના વિદ્યાર્થીઓની પ્રિ બોર્ડ પરીક્ષા લેવા માટે પણ રજૂઆત મળી છે જેથી તેનું પણ આયોજન કરવામાં આવી શકે છે.


