– આ યોજના હેઠળ ૧૦ લાખથી વધુ વાહનોને સબસિડી
Updated: Oct 8th, 2023
અમદાવાદ : સરકારે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવા અને ઉત્પાદન કરવા માટે ત્રીજા તબક્કાના નાણાકીય સહાય પર કામ શરૂ કર્યું છે. ફેમ-૩ સબસિડી સ્કીમમાં વૈકલ્પિક ઇંધણ પર ચાલતા વાહનોનો પણ સમાવેશ થઈ શકે છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર ફેમના આગામી તબક્કામાં હાઇડ્રોજન અને બાયો-ફ્યુઅલ જેવા વૈકલ્પિક ઇંણ પર ચાલતા વાહનોનો પણ સમાવેશ કરવાનો પ્રસ્તાવ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોના ઉપયોગને રોકવા અને પ્રદૂષણને કાબૂ કરવાનો છે અને સાથે-સાથેર વૈકલ્પિક ઇંધણવાળા વાહનોને પ્રોત્સાહિત કરવાનો છે.
વાહન ઉત્પાદકોની સંસ્થા સિયામે પેટ્રોલ-ડીઝલ એન્જિનના વિકલ્પ તરીકે વિશ્વભરમાં નવ પાવરટ્રેનને ઓળખી કાઢયા છે. આ વિકલ્પોમાં કુદરતી ગેસ, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ અને હાઇડ્રોજન જેવા ગેસ પર ચાલતા એન્જિન, ઇથેનોલ, ફ્લેક્સ-ફ્યુઅલ અને અન્ય પર્યાવરણને અનુકૂળ કૃત્રિમ ઇંધણ અને બાયો-ફ્યુઅલ પર ચાલતા વાહનોનો સમાવેશ થાય છે.
ફેમ યોજનાના પ્રથમ બે તબક્કાએ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની ગતિ વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેના કારણે દેશના વાહન બજારમાં ઈવીનો હિસ્સો વધીને ૬ ટકા થયો છે. સરકારે ૨૦૧૫માં ફેમના પ્રથમ તબક્કા દરમિયાન રૂ. ૯૦૦ કરોડ અને ૨૦૧૯માં યોજનાના બીજા તબક્કા દરમિયાન આશરે રૂ.૧૦ હજાર કરોડની રકમ ફાળવી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ વાહનોને સબસિડી આપવામાં આવી છે.