19મી બાદ ગુજરાતમાં વડાપ્રધાનનો સૌપ્રથમ પ્રવાસ : વાતાવરણ બદલાવવા માટે વડાપ્રધાનનો પ્રવાસ મહત્ત્વનો રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22મી તારીખે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન રાજકોટમાં જંગી જાહેર સભા સંબોધશે. તેમની જાહેરસભાની આગોતરી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાનની જાહેરસભા યોજાઇ તો મોટી સંખ્યામાં મેદની ઉમટે તે માટે તૈયાર થઈ જવા અગ્રણીઓ બેઠકોનો દોર શરૂ કર્યો છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ૧૯મી એપ્રિલ પછી ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે તેઓ ગુજરાતમાં બધું વ્યવસ્થિત કરવા રાજકોટમાં જાહેર સભાને સંબોધન કરશે. તેમનો પ્લાન રાજ્યના ચાર ઝોનમાં જાહેર સભા અને રેલીઓ કરવાનો છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન ૨૨મી એપ્રિલે રાજકોટમાં જાહેર સભા કરશે. તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના આખરી દિન ૧૯મીએ ગુજરાત આવી શકે છે. તેઓ તેમની આ મુલાકાતમાં સૌરાષ્ટ્ર- કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જેવા ઝોનને આવરી લેતી છ જાહેર સભાઓ કરશે.
ગુજરાતમાં ૭મી મેના રોજ મતદાન છે. વડાપ્રધાન મોદી ગુજરાતના નોંધાયેલા મતદાર છે તેથી દર વખતની જેમ આ વખતે પણ તેઓ અમદાવાદમાં રાણીપ સ્થિત મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપશે. તેઓ પ્રત્યેક ચૂંટણી સમયે મત આપવા માટે આવે છે.
સૂત્રો જણાવે છે કે મોદી ગુજરાતમાં ૨૨મી એપ્રિલે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ જાહેર સભા અને રોડ-શો પણ કરશે. એક દિવસમાં બે સભાનું આયોજન અત્યારે વિચારવામાં આવ્યું છે. જો કે તેમનો સત્તાવાર કાર્યક્રમ હજી સુધી તૈયાર થયો નથી. પાર્ટી માને છે કે મોદીના ગુજરાતમાં ચૂંટણી પ્રચારથી રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિવાદ શાંત થવાની ધારણા છે.


