- DEOએ ખાનગી સ્કૂલોની બેઠક સહિતની વિગતો માગી
- સ્કૂલોએ મોકલેલી વિગતો વેરિફિકેશન માટે CRCને મોકલવામાં આવશે
- વેરિફીકેશન માટે સ્કૂલોને જે માહિતી તૈયાર રાખવા માટે સુચના અપાઈ
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકોના વર્ષ-2024-25માં થનાર પ્રવેશ માટે અત્યારથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા મળેલી સુચના અંતર્ગત અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરની તમામ ખાનગી સ્કૂલો પાસેથી બેઠકો સહિતની વિગતો માગવામાં આવી છે. જેમાં ધોરણ.1માં વિદ્યાર્થીઓની સંખ્યા તેમજ સ્કૂલનું લોકેશન પણ તૈયાર રાખવાની સુચના અપાઈ છે. જે અંતર્ગત આગામી દિવસોમાં CRC કો-ઓર્ડીનેટર દ્વારા સ્કૂલે મોકલેલ માહિતીનું વેરિફીકેશન પણ કરવામાં આવશે.
જે શાળા લઘુમતી છે તે શાળાઓએ લઘુમતિ પ્રમાણપત્રની નકલ પણ આપવાની રહેશે તેમ જણાવાયું છે. વેરિફીકેશન માટે સ્કૂલોને જે માહિતી તૈયાર રાખવા માટે સુચના અપાઈ છે, તેમાં સ્કૂલના નામ સહિતની વિગત ઉપરાંત સ્કૂલ કયા બોર્ડ સાથે સંકળાયેલી છે, સ્કૂલનુ અક્ષાંશ અને રેખાંશ અનુસાર લોકેશન, માધ્યમ, RTEની કેટલી બેઠકો છે અને RTE સિવાયની કેટલી બેઠકો છે. ફી કમિટી દ્વારા શાળાની કેટલી ફી નક્કી કરવામાં આવેલી છે. હાલમાં સ્કૂલમાં RTE અંતર્ગત કેટલા બાળકો અભ્યાસ કરે છે. આ ઉપરાંત સ્કૂલમાં પ્રિ-પ્રાયમરી ચાલતી હોય તો તેની પણ વિગતો મંગાવવામાં આવી છે.


