અમદાવાદમાં ‘ગુજરાત સમસ્ત રાજપૂત સંસ્થાઓ’ના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાંથી આવેલા ૯૦થી વધુ હોદેદારોની મિટિંગમાં ઠરાવ
રૂપાલાના પુતળા દહન, કાળી સાહીથી ચોકડી મારેલા રૂપાલાના પોસ્ટર ગામોગામ ચીપકાવવા, સોશિયલ મીડિયા વોર સહિતના કાર્યક્રમો ઘડાયા
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા વિરુધ્ધ ક્ષત્રિય સમાજનો આક્રોષ વધુને વધુ ઘેરો બનતો જાય છે. આજે બપોરે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત વિદ્યાભવન ખાતે સમસ્ત ‘ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓ’ના નેજા હેઠળ પરષોતમ રૂપાલા વિરુધ્ધ રણનીતિ ઘડવા માટે મિટિંગ મળી હતી. જેમા સમગ્ર રાજ્યમાંથી સમગ્ર રાજપૂત સમાજના ૯૦ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મીટિંગમાં એવુ નક્કી થયુ હતુ કે, જો પરષોતમ રૂપાલાની ઉમેદવારી પરત લેવામા નહીં આવે તો સમગ્ર રાજપૂત સહિત ક્ષત્રિય સમાજ ભાજપનો બહિષ્કાર કરશે. આગેવાનોએ એક મત થઇને એવો સૂર વ્યક્ત કર્યો હતો કે, વિરોધ ભાજપ સામે નહીં પણ પરષોતમ રૂપાલા સામે છે. રૂપાલાની જગ્યાએ કોઇપણ જ્ઞાતિ-સમાજના ચહેરાને મુકવામા આવે તો તેને જીતાડવા સર્વે ક્ષત્રિય સમાજનો ટેકો રહેશે. પણ રૂપાલા યથાવત રહેશે તો તેને હરાવવા એક જૂથ થઇને મેદાનમાં ઉતરશુ.
મીટીંગમાં એક નિર્ણય પણ લેવાયો હતો કે આગામી દિવસોમાં રાજકોટમાં રાજપૂત સહિત સર્વે ક્ષત્રિય સમાજનું મહા સંમેલન બોલાવવામા આવશે. આ ઉપરાંત ગામોગામ આવેદન આપવા, રૂપાલાના પુતળાનું દહન અને રૂપાલાના પોસ્ટર છપાવી તેના ઉપર કાળી સાહીથી ચોકડી લગાવીને પોસ્ટર લગાવવા, સોશિયલ મીડિયા થકી રૂપાલા વિરુધ્ધ લડત ચલાવવા સહિતના ઠરાવ થયા હતા. આ તમામ કાર્યક્રમો ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા અને વીરભદ્રસિંહની આગેવાનીમાં થશે. લડતના તમામ કાર્યક્રમ માટે કમિટી બનાવવામા આવી છે.


