– માગની સરખામણીએ પૂરવઠો ઓછો રહેતા ભાવ ઊંચકાયા
Updated: Oct 19th, 2023
નવી દિલ્હી : નવા ખરીફ પાકની મંડીઓમાં આવક શરૂ થઈ જવા છતાં કેટલાક પાકના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)થી ઊંચા પ્રવર્તી રહ્યા છે. જે ખરીફ પાકના ભાવ ટેકાના ભાવથી ઉપર બોલાઈ રહ્યા છે તેમાં મુખ્યત્વે તુવેર દાળ, કપાસ, મકાઈ, મગફળી તથા મગનો સમાવેશ થાય છે.
બીજી બાજુ સોયાબીન, જુવાર તથા બાજરાના ભાવ ટેકાના ભાવથી નીચે બોલાઈ રહ્યાનું પ્રાપ્ત માહિતી પરથી જણાય છે.માગ સામે પૂરવઠો ઓછો રહેતા ભાવ ઊંચા બોલાઈ રહ્યાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રની મંડીમાં તુવેરદાળના ભાવ ટેકાના ભાવથી ચાલીસ ટકા જેટલા ઊંચા બોલાઈ રહ્યા છે. અડદ તથા તુવેર પરની આયાતને ડયૂટી ફ્રી બનાવવા છતાં ઘરઆંગણે તુવેરના ભાવ ઊંચા મુકાઈ રહ્યા છે. તુવેરના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૭૦૦૦ના ટેકાના ભાવ સામે મહારાષ્ટ્રમાં કેટલીક મંડીઓમાં તુવેરના ભાવ રૂપિયા ૧૦,૦૦૦ બોલાઈ રહ્યા છે.
ગુજરાતમાં કપાસના ભાવ ટેકાના ભાવથી નવ ટકા ઊંચા મુકાઈ રહ્યા છે. મગફળીના ભાવ પણ ૧૩ ટકા જેટલા ઊંચા કવોટ થઈ રહ્યાનું બજારના સુત્રોએ ઉમેર્યું હતું.
ઉત્પાદન બંપર રહેતા બાજરાના ભાવ રાજસ્થાનમાં ટેકાના ભાવથી વીસ ટકા નીચા બોલાઈ રહ્યા છે.