– વિશ્વ બજારમાં ફંડોનું બાઈંગ વધ્યું
– અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૨૬થી ૨૭ લાખ બેરલ્સ ઘટયો
Updated: Oct 26th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. સોનાના ભાવ ઘટતા અટકી ફરી ઉંચકાયા હતા. જ્યારે ચાંદીમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૬૪થી ૧૯૬૫ વાળા વધી ૧૯૭૭થી ૧૯૭૮ થઈ ૧૯૭૪થી ૧૯૭૫ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે પણ આજે ઝવેરી બજારોમાીં સોનામાં ઘટયા મથાળે નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. બોન્ડ યીલ્ડ ટોચ પરથી નીચી ઉતરતાં વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ ફરી વધ્યાના નિર્દેશો મળ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના ભાવ રૂ.૬૨૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૫૦૦ બોલાતા થયા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૨૫૦૦ના મથાળે શાંત હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૨.૮૭ વાળા ૨૨.૭૨ તથા ૨૩.૦૨ વચ્ચે રહ્યા પછી ભાવ ૨૨.૭૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૮૮૪થી ૮૮૫ વાળા ૮૯૮ થઈ ૮૯૬થી ૮૯૭ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૦.૪૧ ટકા વધ્યા હતા. ચીનમાં કથળેલા અર્થતંત્રનેે પીઠબળ આપવા ત્યાંની સરકાર દ્વારા અપાતા થયેલા વિવિદ સ્ટીમ્યુલ્સ પેકેજો પર બજારની નજર રહી હતી. દરમિયાન, વૈશ્વિક પેલેડીયમના ભાવ ઔંશના ૧૧૧૭ વાળા ૧૧૪૧ થઈ ૧૧૩૫થી ૧૧૩૬ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા મથાળે બેતરફી વધઘટ બતાવતા હતા.
બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૮૯.૮૬ વાળા ૮૭.૫૫ થયા પછી ૮૮.૪૧ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૫.૪૧ વાળા નીચામાં ૮૩.૧૬ થઈ ૮૪.૦૪ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ઘટયાના સમાચાર હતા. અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ ત્યાં ક્રૂડતેલનો સ્ટોક ૨૬થી ૨૭ લાખ બેરલ્સ ઘટયો છે જેની સામે અપેક્ષા ૧૫ લાખ બેરલ્સની વૃદ્ધીની રખાતી હતી.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૨૦૦ વાળા રૂ.૬૦૨૩૧ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૬૦૪૫૦ વાળા રૂ.૬૦૫૬૪ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૧૫૦૦ વાળા રૂ.૭૧૦૦૪ રહ્યા હતા.


