પ્રાથમિક શાળાના ૭૮૨ શિક્ષકોના CCCના પ્રમાણપત્રો બોગસ, FRIની ચાલતી તૈયારી
કૌભાંડો રોકવા હવે તમામ સર્ટીફિકેટોનું ફરજીયાત ડિજીટલ વેરીફિકેશન કરાશે
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો સામે અત્યાર સુધીની સૌથી મોટી લાલ આંખ કરી છે. ઉચ્ચ પગાર ધોરણ અને પ્રમોશન જેવા નાણાકીય લાભો મેળવવા માટે રાજ્યના 782 પ્રાથમિક શિક્ષકોએ રજૂ કરેલા CCCના પ્રમાણપત્રો તપાસમાં બોગસ મળી આવ્યા છે. આ ખુલાસા બાદ સમગ્ર શિક્ષણ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે આ શિક્ષકોના પ્રમાણપત્રોની ઓનલાઇન પોર્ટલ પર ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી ત્યારે માલૂમ પડ્યું કે, આ સર્ટિફિકેટ્સ માન્ય સંસ્થાઓ દ્વારા ઇશ્યૂ કરવામાં આવ્યા નહોતા અથવા તેમાં ચેડાં કરવામાં આવ્યા હતા. ઘણા કિસ્સામાં તો પરીક્ષા આપ્યા વગર જ એજન્ટોના માધ્યમથી નકલી સર્ટિફિકેટ મેળવી લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ કૌભાંડમાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં મહેસાણા મોખરે છે. મહેસાણાના 142 શિક્ષકો સામે ફોજદારી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ શિક્ષકોએ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને ખોટી રીતે નાણાકીય લાભો મેળવ્યા હોવાથી તેમની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
સરકારના આ કડક વલણથી ખોટી રીતે પ્રમાણપત્રો મેળવનાર અન્ય કર્મચારીઓમાં પણ ભયનો માહોલ છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવા કૌભાંડો રોકવા માટે તમામ પ્રમાણપત્રોનું ડિજિટલ વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે નવો પરિપત્ર જાહેર કરીને તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને (DPEO) કડક સૂચનાઓ આપી છે:
- નાણાકીય રિકવરી: જે શિક્ષકોએ બોગસ સર્ટિફિકેટના આધારે ઉચ્ચ પગાર ધોરણ મેળવ્યું છે, તેમની પાસેથી અત્યાર સુધી ચૂકવાયેલી તમામ વધારાની રકમ વ્યાજ સાથે પરત વસૂલવામાં આવશે.
- ઇજાફા અને પેન્શન પર રોક: દોષિત ઠરેલા શિક્ષકોના વાર્ષિક ઇજાફા (Increments) અટકાવવામાં આવશે અને નિવૃત્ત થયેલા શિક્ષકોના પેન્શનમાં પણ કાપ મૂકવામાં આવશે.
- ખાતાકીય તપાસ: શિક્ષકો સામે માત્ર પોલીસ ફરિયાદ જ નહીં, પણ ખાતાકીય તપાસ કરી તેમને સેવામાંથી બરતરફ કરવા સુધીની પણ તૈયારીઓ છે.


