ગ્રીનચોકડીથી લઇ મારવાડી કોલેજ સુધી અને શહેરના વિવિધ વિસ્તારોમાં પૂરજોશમાં ચાલતી કામગીરી
રાજકોટમાં હાલમાં જ્યાં નજર પડે ત્યાં રોડ-રસ્તાનું કામ શરૂ થઇ ગયું છે. યુદ્ધના ધોરણે થઇ રહેલી આ કામગીરી જોતાં બહારથી આવનાર વ્યક્તિને લાગે કે આ શહેરમાં ક્યારેય કોઇ સમસ્યા જ નહીં હોય, તંત્રવાહકો ખૂબજ જાગૃત હશે પરંતુ તંત્રવાહકોની નીતિ કેવી છે તે તો રાજકોટવાસીઓ જ જાણે છે.
ચોમાસા પહેલાથી શહેરના મહત્તમ માર્ગો પર ખાડા હતા, કેટલાક વિસ્તારમાં તો રસ્તા પર ખાડા નહીં, પરંતુ ખાડામાં ક્યાંક રસ્તો હોય તેવું દેખાતું હતું, લોકોએ ફરિયાદ કરી પરંતુ તેની ફરિયાદનું કંઇ ન આવ્યું, ચોમાસું શરૂ થયું, ખાડામાં પાણી ભરાયા અને જે માર્ગો થોડાઘણા પણ સારા હતા તે પણ બદતર થઇ ગયા.
શહેરના માર્ગો બાબતે લોકોમાં રોષ જોવા મળ્યો ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓએ એવો બચાવ કર્યો કે, ચોમાસામાં ડામર કામ કેવી રીતે કરવું?, જોકે આમ છતાં કેટલાક વિસ્તારમાં તે કામ ચાલતા હતા, પરંતુ થીગડાં મારવા માટે જ જાણે કામ થતું હતું.
ચોમાસું વીતી ગયાને મહિનાઓ વીતી ગયા છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી શહેરના મહત્તમ વિસ્તારોમાં ડામર કામનો ધમધમાટ થઇ રહ્યો છે, આ બદલાવ શેના માટે છે ?, શું ખરેખર રાજનેતાઓ અને અધિકારીઓને લોકોની સમસ્યા નજરે પડી?, શું ખરેખર તે લોકોને સુવિધા આપવા માટે મેદાને ઉતર્યા છે?
આવા સવાલો લોકોને પૂછ્યા તો લોકોએ કહ્યું કે, નજીકના મહિનાઓમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે એટલે લોકોને તેની મુશ્કેલી ભુલાવવા માટે રોડ-રસ્તાનું કામ શરૂ કરી દેવાયું છે.
રાજનેતાઓ ફરીથી મત માગવા વિસ્તારમાં પહોંચશે ત્યારે રસ્તાનો મુદ્દો લોકો ઉઠાવે નહીં તે માટે કામ શરૂ થયા છે, શહેરીજનો રૂ.1 લાખનું નવું બાઇક ખરીદે ત્યારે તેની પાસે શોરૂમમાંથી બાઇકનો કબજો મળે તે પહેલાં રૂ.3 હજાર રોડ-રસ્તા પેટે મહાનગરપાલિકાને ટેક્સરૂપે ચૂકવાઇ જાય છે, તો ટેક્સ ઉઘરાવતાં આ તંત્રએ રોડ-રસ્તા સારા આપવા તે તેની ફરજ છે, પરંતુ ચૂંટણી આવે ત્યારે જ જનતાના પ્રશ્નોનો નિવેડો આવે છે, તો લોકોએ પોતાના કામ માટે શું ચૂંટણીની જ રાહ જોવાની ?


