- પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની જન્મજયંતિએ થશે પુસ્તકનું વિમોચન
- સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે ઘણા ચોંકાવનારા દાવા
- નરેન્દ્ર મોદી અને પ્રણવ મુખર્જી વચ્ચેના સંબંધો વિષે કરી વાત
દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠા મુખર્જીનું એક પુસ્તક આજકાલ ખાસ્સું ચર્ચામાં છે. શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પુસ્તક ‘In Pranab, My Father: A Daughter Remembers’માં પ્રણવ મુખર્જીને ટાંકીને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે ઘણા ચોંકાવનારા દાવા કર્યા છે. તો સાથે સાથે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રણવ મુખર્જી વચ્ચેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી છે.
શર્મિષ્ઠા મુખર્જીએ તેમના પુસ્તક વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરતાં કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વચ્ચે ‘વિચિત્ર’ સંબંધ હતો. મોદી હંમેશા મારા પિતાને સન્માન સાથે સ્પર્શતા હતા. ઈમાનદારી અને નિખાલસતાની આ વિશેષતા હતી.” શર્મિષ્ઠા મુખર્જીનું આ પુસ્તક પ્રણવ મુખર્જીની જન્મજયંતિ એટલે કે 11મી ડિસેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યું છે.
શર્મિષ્ઠા મુખર્જીએ કહે છે, “જ્યારે મારા પિતા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, ત્યારે તેઓ તેમની ફરજો અને જવાબદારીઓ વિશે ખૂબ જ સ્પષ્ટ હતા. તેમણે વડાપ્રધાનને કહ્યું હતું કે તેઓ ભલે અલગ-અલગ વિચારધારાના હોય છતાં, તેઓ સરકારના કામમાં દખલ નહીં કરે.”
તેમણે કહ્યું, “મને લાગે છે કે પીએમ મોદી અને પ્રણવ મુખર્જીની અલગ-અલગ વિચારધારાઓને જોતાં આ ખૂબ જ વિચિત્ર હતું. આ સંબંધ વાસ્તવમાં ઘણા વર્ષો પહેલાનો છે… નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલાં થી તેમના મારા પિતા સાથે સંબંધ હતો.”
શર્મિષ્ઠા મુખર્જી કહે છે, ” પીએમ મોદીએ મને કહ્યું કે તેઓ પાર્ટીના એક સામાન્ય કાર્યકર તરીકે વિવિધ કાર્યક્રમો માટે દિલ્હી આવતા હતા. મોદી તેમની મોર્નિંગ વોક દરમિયાન પિતા પ્રણવ મુખર્જીને મળતા હતા. તેમણે મને કહ્યું હતું કે બાબા મને જ્યારે મળતા ત્યારે તેઓ હંમેશા ખૂબ જ સારી રીતે વાત કરતાં. તેઓ બાબાના ચરણ સ્પર્શ કરતાં.
શર્મિષ્ઠા મુખર્જી કહે છે, “મને લાગે છે કે બાબાની ડાયરીમાં લખેલી આ સૌથી રસપ્રદ વાત છે…” તેણીએ વધુમાં કહ્યું, “ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર રાષ્ટ્રપતિને મળવા આવ્યા હતા. ત્યારે પ્રણવ મુખર્જીએ પોતાની ડાયરીમાં તેનો ઉલ્લેખ કરો હતો. બાબાએ લખ્યું હતું કે તેઓ કોંગ્રેસ સરકાર અને તેની નીતિઓના આકરા ટીકાકાર છે… પરંતુ અંગત રીતે તેઓ હંમેશા મને પગે લાગે છે. મોદી કહે છે કે આમ કરવાથી તેમને આનંદ થાય છે. મને ખબર નથી પડતી કે તેઓ આવું કેમ કરતાં હતા.”
શર્મિષ્ઠા વધુમાં કહે છે કે વડા પ્રધાને તેમની સાથે આ વાતની ખરાઈ કરી છે. તેમણે કહ્યું, “રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચેનો સંબંધ માત્ર વ્યક્તિગત ન હતો. રાષ્ટ્રપતિ તરીકે બાબા માનતા હતા કે ચૂંટાયેલી સરકારમાં દખલ ન કરવી તે તેમની પણ જવાબદારી છે.”
તેઓ આગળ કહે છે કે, “પહેલી જ બેઠકમાં પ્રણવ મુખર્જીએ પીએમ મોદીને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આપણે બે અલગ અલગ વિચારધારાના છીએ, પરંતુ જનતાએ તમને જનાદેશ આપ્યો છે. હું શાસનમાં દખલ નહીં કરીશ… તે તમારું કામ છે. પરંતુ જો તમને કોઈ બંધારણીય બાબતમાં મદદની જરૂર હોય, તો હું ત્યાં હાજર રહીશ.”


