- ધરતીએ મને ઘડ્યો, તેનું ઋણ સ્વીકારવાનો મોકો મળે છે – PM
- ખેરાલુમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું
- આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં આજે સવારે અમદાવાદથી અંબાજી ગયા હતા. અને ત્યાં મંદિરમાં દર્શન-પૂજા કર્યા બાદ ખેરાલુમાં જનસભાને સંબોધન કર્યું છે. મહેસાણાના ખેરાલુમાં 9 વર્ષ બાદ PM મોદીની સભા યોજાઇ રહી છે. તથા ખેરાલુમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું છે.
ભારત માતા કી જય સાથે PM મોદીએ સંબોધનની શરૂઆત કરી
ભારત માતા કી જય સાથે PM મોદીએ સંબોધનની શરૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે મને મંદિરમાં દર્શન કરીને અહીં આવવાનો મોકો મળ્યો છે. મારા માટે આ સૌભાગ્યની ક્ષણ હતી. આપ સૌની નિકટ આવી, આપ સૌના દર્શન કર્યા છે. ઘર આંગણે આવીએ એટલે જૂના સ્મરણો યાદ આવે છે. જે ધરતીએ મને ઘડ્યો, તેનું ઋણ સ્વીકારવાનો મોકો મળે છે. આવો મોકો મળે તો મનને સંતોષ થાય છે. 30 – 31 ઓક્ટોબર બંને દિવસ ખૂબ પ્રેરક છે. આજે ગોવિંદ ગુરુજીની પૂણ્યતિથિ છે. આવતીકાલે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. SOU દ્વારા સરદાર સાહેબને સાચા અર્થમાં ઉંચાઇ આપી છે. આવનારી પેઢીઓ સરદાર સાહેબને જોવા માથુ ઉંચુ કરશે. સરદાર સાહેબને માથું નમાવશે નહી. માથું ઉંચુ કરવાનું કામ ત્યાં થયુ છે. અહીં આવતા પહેલા મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યુ છે. મારા આવતા પહેલા ખેરાલુ, અંબાજીમાં મોટાપાયે સફાઇ થઇ હતી.
નરેન્દ્રભાઇ સંકલ્પ લે એટલે પૂરો કરીને રહે, તમે ઓળખો છો
આજે લગભગ 6000 કરોડના વિકાસના કામો થઇ રહ્યા છે. વિકાસના કાર્યો માટે ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. ચંદ્ર પર ભારત આજે પહોંચ્યું છે. ગામડાના માણસને પણ લાગ્યું ભારતે ખૂબ મોટું કામ કર્યુ છે. દુનિયાના કોઇ દેશો પહોંચ્યા નથી ત્યાં ભારત પહોંચ્યુ છે. G-20 ગુજરાતના ખૂણે ખૂણે લોકોની જીભે ચઢ્યુ છે. ક્રિકેટની T-20 ખબર ન હોય પણ G-20 ખબર હોય છે. G-20માં વિશ્વના નેતાઓ ભારત આવ્યા, ચકિત થઇ ગયા હતા. વિશ્વના નેતાઓના મનમાં ભારત માટે કૌતુક ઉભુ થયુ છે. ભારતના ખૂણે ખૂણે મૂડી રોકાણ થઇ રહ્યું છે. રોડ, એરપોર્ટ સહિતના વિકાસના કામો થયા છે. ગુજરાત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં જે મજબુત પાયો નાખ્યો તેનું આ પરિણામ છે. લોકોને એમ ન થાય PM આવ્યા છે, આપણા નરેન્દ્રભાઇ લાગે. નરેન્દ્રભાઇ સંકલ્પ લે એટલે પૂરો કરીને રહે, તમે ઓળખો છો. આજે દુનિયામાં ભારતની ચર્ચા થઇ રહી છે, વાહવાહી થાય છે. દેશમાં પૂર્ણ બહુમતની સરકાર હોવાને કારણે આ સ્થિતિ છે.
આજે ઉદ્યોગોનો વાવટો ઉત્તર ગુજરાતમાં ફરકે છે
કોટી કોટી જનોએ આપેલો બહુમત આ નિર્ણયો કરાવે છે. એક સમયનો સૂકો વિસ્તાર અત્યારે સમૃદ્ધ બન્યો છે. એક સમયે અહીં પીવાના પાણીની મુશ્કેલી હતી. ટ્યુબવેલ પણ બંધ થઇ જાય તેવી સ્થિતિ અહી હતી. અનેક મુસીબતોમાંથી આપણે બહાર આવ્યા. આપણા ખેડૂતોને એક પાક માંડ મળતો હતો. આજે બે – બે ત્રણ – ત્રણ પાકની ગેરંટી મળે છે. ઉત્તર ગુજરાત, દરિયાકાંઠાના કાયાકલ્પનો સંકલ્પ કર્યો છે. પાણી, સિંચાઇ, કનેક્ટિવિટી પર ભાર મૂક્યો છે. તેને કારણે ગુજરાત ઔદ્યોગિક વિકાસ તરફ વળ્યુ છે. લક્ષ્ય હતું કે ઉત્તર ગુજરાતમાં જ લોકોને રોજગારી મળે. અગાઉ ઉત્તર ગુજરાતનો શિક્ષક કચ્છમાં નોકરી કરવા જતો હતો. આજે ઉદ્યોગોનો વાવટો ઉત્તર ગુજરાતમાં ફરકે છે. આજે મા નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતમાં ઘરે ઘરે પહોંચ્યું છે. યુવાનોને મુશ્કેલીઓ જોવા ન મળે એવું ગુજરાત બનાવ્યુ છે.
ગુજરાતને દિવાળી પહેલા જ દિવાળીની ભેટ મળી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ખેરાલુમાં કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોઘન કરતા જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતને આજે કરોડોની ભેટ મળી રહી છે. વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા પધારેલા PMનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતની ધરાના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ છે. ગુજરાતને દિવાળી પહેલા જ દિવાળીની ભેટ મળી છે. નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે છે. રેલવે, માર્ગ મકાન, શહેરી વિકાસ, પાણી જેવી સુવિધાઓના કામ થયા છે. પ્રજાને સ્પર્શતી સુવિધાઓના કામની જનતાને ભેટ આપી છે. વિકાસ કેવો હોય, વિકાસ કોને કહેવાય તે PMએ શીખવ્યુ છે. ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા કામ થયુ છે.
મહેસાણાના ખેરાલુમાં 9 વર્ષ બાદ PM મોદીની સભા
મહેસાણાના ખેરાલુમાં 9 વર્ષ બાદ PM મોદીની સભા છે. જેમાં 5866 કરોડના 16 વિકાસના કામોની વડાપ્રધાન ભેટ આપી છે. મહેસાણા જિલ્લાને 3724 કરોડના 6 વિકાસના કામોની ભેટ આપી છે. જેમાં 3154 કરોડના ભાન્ડુ – સાણંદ રેલવે કોરિડોર પ્રોજેક્ટની ભેટ પણ અપાઇ છે. 375 કરોડના કટોસન – બહુચરાજી રેલવે લાઈન પ્રોજેક્ટનું લોકોર્પણ કર્યું છે. કરોડોના 7 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે.
ખેરાલુના ડભોડામાં સભાને લઈ લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરાઇ
ખેરાલુના ડભોડામાં સભાને લઈ લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. ડભોડામાં વિશાળ સભામંડપ અને 4 હેલીપેડ તૈયાર કરાયા હતો. PM મોદીના કાર્યક્રમને લઈ ખેરાલુમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. તેમજ મહેસાણામાં PM મોદીના કાર્યક્રમને લઈ લોખંડી બંદોબસ્ત છે. 9 વર્ષ બાદ ખેરાલુમાં PM ના કાર્યક્રમને લઈ ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં 17 DYSP, 46 PI, 131 PSI બંદોબસ્તમાં તૈનાત છે. તેમજ 6 SP સહિત 1871 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત છે.