પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્રોએશિયા મુલાકાત દરમિયાન ભારત અને ક્રોએશિયા વચ્ચે ઘણા કરારો થયા. આ બાદ પીએમ મોદીએ સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમને સ્વાગત માટે ક્રોએશિયાના પીએમ આન્દ્રેજ પ્લેન્કોવિકનો આભાર માન્યો.
પીએમ મોદીએ કહ્યું કે આ ઐતિહાસિક ધરતી પર જે ઉત્સાહ, આત્મીયતા અને સ્નેહ સાથે મારું સ્વાગત થયું છે તેના માટે હું પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિક અને ક્રોએશિયન સરકારનો આભાર માનું છું. ભારત અને ક્રોએશિયા લોકતંત્ર, રૂલ ઓફ લો અને સમાનતા જેવા સહિયારા મૂલ્યો દ્વારા જોડાયેલા છે.
તેમને કહ્યું કે એક સુખદ સહયોગ છે કે ગયા વર્ષે ભારતના લોકોએ મને અને ક્રોએશિયાના લોકોએ પીએમ આન્દ્રેજને સતત ત્રીજી વખત સેવા આપવાની તક આપી છે. આ જનવિશ્વાસ સાથે અમે અમારા ત્રીજા કાર્યકાળમાં અમારા દ્વિપક્ષીય સંબંધોને ત્રણ ગણી ગતિ આપવાનું નક્કી કર્યું છે. સંરક્ષણ ક્ષેત્રમાં લોન્ગ ટર્મના સહયોગ માટે રક્ષા સહયોગ પ્લાન બનાવવામાં આવશે, જેમાં ટ્રેનિંગ અને મિલેટ્રી એક્સચેન્જની સાથે-સાથે સંરક્ષણ ઉદ્યોગ પર પણ ધ્યાન આપવામાં આવશે. શિપ નિર્માણ અને સાયબર સિક્યોરિટીમાં સહયોગ વધારવામાં આવશે.
‘અમે આ 7 ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપીશું’
પીએમ મોદીએ કહ્યું કે ઘણા ક્ષેત્રો છે જ્યાં આપણી અર્થવ્યવસ્થાઓ એકબીજાના પૂરક બની શકે છે. આ ક્ષેત્રોને ઓળખવામાં આવ્યા છે. અમે દ્વિપક્ષીય વેપાર વધારવા અને એક વિશ્વસનીય સપ્લાય ચેઈન બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. અમે દ્વિપક્ષીય વેપાર વધારવા અને વિશ્વસનીય સપ્લાય ચેઈન તૈયાર કરવા માટે ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. અમે ફાર્મા, એગ્રીકલ્ચર, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, ક્લીન ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી, રિન્યૂએબલ એનર્જી, સેમિકન્ડક્ટર્સમાં સહયોગને પ્રોત્સાહન આપીશું.
રણભૂમિમાં નથી મળતું સમસ્યાઓનું સમાધાન
આ દરમિયાન પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ દુનિયા માટે એક મોટો ખતરો છે. તેમને કહ્યું કે અમે સહમત છીએ કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તે લોકશાહીમાં વિશ્વાસ રાખતી શક્તિઓનો વિરોધી છે.
22 એપ્રિલના રોજ ભારતમાં થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કરવા બદલ અમે પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેનકોવિક અને ક્રોએશિયા સરકારના ખૂબ ખૂબ આભારી છીએ. આવા મુશ્કેલ સમયમાં, અમારા મિત્ર દેશોનો સાથ અમારા માટે ખૂબ જ મૂલ્યવાન હતો.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે બંને એ હકીકતને સમર્થન આપીએ છીએ કે યુરોપ હોય કે એશિયા, સમસ્યાઓનું સમાધાન રણભૂમિમાં નથી મળતું. ડાયલોગ અને ડિપ્લોમેસી જ એકમાત્ર રસ્તો છે. કોઈપણ દેશની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવું જરૂરી છે.