-વહીવટી કામકાજ મજબૂત બનાવવાના ભાગરૂપ રિઝર્વ બેન્કની નવી માર્ગદર્શિકા
Updated: Oct 26th, 2023
મુંબઈ : દેશમાં કાર્યરત ખાનગી તથા વિદેશી બેન્કોની સંપૂર્ણ માલિકીની સબ્સિડીઅરીસમાં વહીવટી કામકાજ મજબૂત બનાવવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ આ બેન્કોમાં ઓછામાં ઓછા બે હોલટાઈમ ડાયરેકટર્સ રાખવાનું ફરજિયાત બનાવ્યું છે.
જે બેન્કોમાં આ ધોરણનું પાલન થતું ન હોય તેમણે નામો આરબીઆઈની મંજુરી માટે ચાર મહિનાની અંદર મોકલવાના રહેશે. હોલટાઈમ ડાયરેકટર્સની નિમણૂંક માટે બેન્કોએ રિઝર્વ બેન્કની અગાઉથી પરવાનગી લેવાની રહે છે.બેન્કિંગ ક્ષેત્રમાં વધી રહેલી જટિલતાઓને ધ્યાનમાં રાખી હાલના અને ઊભરી રહેલા પડકારોને પહોંચી વળવા સીનિયર મેનેજમેન્ટ ટીમ ઊભી કરવા પણ આરબીઆઈએ બેન્કોને સૂચના આપી છે.
ખાસ કરીને મેનેજિંગ ડાયરેકટર તથા ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરના હોદ્દા માટે મુદત અને મહત્તમ વય મર્યાદા સંદર્ભમાં જ્યારે નિયમનકારી ધોરણો છે ત્યારે આવી ટીમની રચના, સકસેશન પ્લાનિંગના માર્ગ કરી શકશે, એમ રિઝર્વ બેન્કના નોટિફિકેશનમાં જણાવાયું છે.
હોલટાઈમ ડાયરેકટર્સની સંખ્યા અંગે જે તે બેન્કની બોર્ડ તેમના કામકાજના કદ, વેપાર જટિલતાઓ વગેરે ધ્યાનમાં લઈને નિર્ણય લેવાનો રહેશે. જે બેન્કો હાલમાં ઓછામાં ઓછા બે હોલટાઈમ ડાયરેકટર્સ ધરાવતી નથી તેમણે આ ધોરણનું પાલન કરવા આ નોટિફિકેશનની તારીખથી ચાર મહિનાની અંદર નામ અંગેની દરખાસ્ત રિઝર્વ બેન્કને સોંપવાની રહેશે. પેમેન્ટસ બેન્કને આ ધોરણમાંથી મુકત રખાઈ છે.


