રાધનપુર નજીક અસ્થિ વિસર્જન કરી પરત ફરતાં હતાં
પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મદદ માંગી
અગ્ર ગુજરાત, ધોરાજી
ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગ પર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 પૈકી 19 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જે પૈકી ત્રણ મુસાફરોને ગંભીર ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત સર્જાતા જ ચીસાચીસ મચી ગઈ હતી, જેને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. તમામ 22 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, 3 મુસાફરોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.
આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જેમાં બસ કાબુ ગુમાવતા રોડ ઉપરનીબે મોટર સાયકલને પણ હડફેટે લીધી હતી ત્યાર બાદ બસ પલટી મારી ગઈ હતી તે દેખાઈ રહ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની ખબર પૂછી હતી. ધોરાજી પોલીસનો કાફલો, જેમાં એસ.પી. અને પી.આઈ. સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે, તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ ધારાસભ્ય વસોયા એ જણાવ્યું હતું કે, ‘ધોરાજીની ડ્રીમ્સ સ્કૂલ પાસે ટ્રાવેલ્સની બસ પલટી ખાતા 22 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં બધા ડૉક્ટરો અને સ્ટાફ પૂરતો હાજર રહ્યો છે. 3 જણાને રીફર કર્યા છે.તેમની સ્થિતિ ચિંતાજનક છે. બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે. અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અહીં સેવાકીય પ્રવૃતિમાં ખભેખભા મિલાવીને જે લોકોને ઇજા થઇ છે એમને મદદ કરી રહ્યા છે.’
પૂર્વ ધારાસભ્ય વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ઈજાગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડ માંથી આર્થિક મદદ બાબતે પત્ર લખ્યો છે. અતિ ગરીબ પરિવાર ના 17 જેટલા ભાઈ – બહેનો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. તેઓ છૂટક મજૂરી કરી પ્લાસ્ટિક કચરો વીણી ગુજરાન ચલાવે છે. તેઓ જ્યાં સુધી સાજા ન થાય ત્યાં સુધી તેમને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી યોગ્ય સારવાર તથા આર્થિક મદદ કરવા હું આપને માનવતા સહજ વિનંતી કરું છું.
ટ્રાવેલ્સના માલિકના નિવેદન મુજબ બસની એક્સલ ભાંગતા બસ પલટી મારી ગઈ હતી. આ બસ વરધીમાં હતી, ફરેણી રોડ પરના સમાજના લોકો એ બસની અંદર હતા.
આ અકસ્માતમાં ઘાયલ કરનભાઈ કરમશીભાઈ રાઠોડ જણાવ્યું હતું કે ‘અમે બાપાના ફૂલ પધરાવવા માટે રાધનપુરની બાજુમાં કુંવર ગામમાં ગુરુકૃપા ગાડી બાંધીને ગયા હતા અને ત્યાંથી રિટર્ન ગાડી આવતી હતી અને અહીં આવીને ગાડી બે-ત્રણ પલ્ટીઓ ખાઈને ઝાડવાની અંદર ફસાઈ ગઈ.’


