રાજકોટના સ્ટેશનરીનાં ૫૦૦ જેટલા ધંધાર્થીઓનો આક્ષેપ : રાજકોટમાં મોલ બને છે
રાજકોટમાં કેટલીક મોટી શાળાઓના સંચાલકોને શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલા કેટલાક ધુરંધરોએ તેમની શાળાની ફીની આવક ઉપરાંતની આવક પર નજર માંડી હોવાના આક્ષેપ રાજકોટ સ્ટેશનરી એસો.ના હોદેદારો દ્વારા થયા છે. આ અંગે તેમણે જિલ્લા કલેકટરને એક આવેદન આપી કેટલીક બાબતો અંગે આક્ષેપો કર્યા છે.
અગ્ર ગુજરાતને આ અંગે સ્ટેશનરીના એસો.ના એક અગ્રણીએ આપેલી વિગતો મુજબ રાજકોટના શાળા સંચાલક મંડળના કેટલાક અગ્રણીઓના હિત ધરાવતા લોકો અને એક સામાજીક સંસ્થા અને મોટી બ્રાન્ડ ધરાવતા અગ્રણીના ફંડ શહેરના યુનિ. રોડ પર હાલ એક મોલ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ફરજીયાત ધકેલી સ્વેટરથી માંડી સ્ટેશનરી સુધીનો ધંધો લેવાનું આયોજન છે. એટલુ જ નહી જે સંચાલકો આડકતરી રીતે આ મોલમાં રોકાણ કર્યુ છે તેમણે ટુંકાગાળામાં જ નાનામવા રોડ પર એક મોટો મોલ શરૂ કરવાની પણ જાહેરાત કરી દીધી છે. આમ થવાથી જુદા-જુદા વિસ્તારમાં સુવિધા આપતા નાના યુનિફોર્મ વાળા અને સ્ટેશનરીના વેપારીઓ મરી જશે અને સમગ્ર ધંધો આર્થિક, મજબૂતી અને સંગઠન ધરાવતી સિન્ડીકેટ પાસે ચાલ્યો જશે તેવી ભીતિ દર્શાવી છે.
રાજકોટ સ્ટેશનરી એસોસીએશન દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે રાજકોટમાં અન્ય રાજયની અજાણી પ્રકાશક કંપનીઓના પુસ્તક ઉપર ૪૦ થી ૫૦ ટકા જેવું કમિશન મળતું હોવાથી ખાનગી શાળાનાં સંચાલકો દ્વારા આ પ્રકારનાં પુસ્તકો ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. બજારમાં મળતી નોટબુક, સ્કુલ બેગ સહિતની સ્ટેશનરી મોલમાંથી ઉંચી કિંમતે ખરીદવાનો આગ્રહ રાખવામાં આવતો હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ મોટું આર્થિક ભારણ સહન કરવું પડશે. આ સ્થિતિમાં (૧) કોઈપણ શાળા પોતાના નામ સાથેની નોટબુક કે અન્ય સાહિત્ય છાપવાનું બંધ કરી (૨) શાળા સંકુલમાં વ્યાપારિક પ્રવૃતિઓ અટકાવવામાં આવે (૩) દરેક શાળાઓ તેમના બુકલીસ્ટની યાદી એક મહિના અગાઉ નોટીસ બોર્ડ ઉપર જાહેર કરે (૪) કોઈપણ શાળા તેમના પુસ્તક, યુનિર્ફોર્મ કે અન્ય ચીજવસ્તુઓની ખરીદી માટે ભલામણ કરવાનું બંધ કરે. આ પ્રકારની પ્રવૃતિ બંધ થાય તો રાજકોટ શહેરનાં ૫૦૦ સ્ટેશનરીનાં ધંધાર્થીઓ અને તેની સાથે કામ કરતા ૧૦૦૦ જેટલા કામદારોને રોજીરોટી મળી રહેશે. અન્યથા ખાનગી શાળા સંચાલકોની નીતિરીતિનો ભોગ વિદ્યાર્થીઓ અને વાલીઓ બનશે તેમ રજૂઆતનાં અંતમાં જણાવાયું હતું.