ગારિયાધારના ફિલ્મ પ્રોડ્યુસરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
પી.એસ.આઇ. તથા ડી.એસ.પી. જેવી ઉચ્ચ કક્ષાની પોલીસ પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી એક પરિવારમાંથી કરોડોની રકમ પડાવી લેવાના કૌભાંડમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે મહત્વની કાર્યવાહી કરી છે. ફરીયાદીના દીકરાને સરકારી નોકરી અપાવવાની ખાતરી આપી કુલ રૂ. 2.36 કરોડ પડાવી લીધા બાદ મોટો હિસ્સો પરત ન આપનાર આરોપીને લાંબા સમયથી નાસતા ફરતા બાદ અંતે ઝડપી લેવામાં આવ્યો છે.
આ મામલે તા. 05/11/2025ના રોજ ગુનો દાખલ થયા બાદ આરોપી ફરાર થયો હતો. સતત તપાસ, ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી **વિવેક ઉર્ફે વિકી પ્રવિણભાઈ દવે (ઉ.વ. 42)**ને ઝડપી લીધો છે. આરોપી ફિલ્મ પ્રોડ્યુસર હોવાનું બહાર આવ્યું છે અને તે ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) ભરત બી. બસીયા દ્વારા મિલકત અને છેતરપીંડી સંબંધિત ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાઓના આધારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર સહિતના સ્ટાફને મળેલી સંયુક્ત બાતમીના આધારે આરોપીને પાલીતાણા, ગારીયાધાર બાયપાસ રોડ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ મુજબ આરોપીઓએ સમાન ઇરાદે ફરીયાદીના દીકરાને PSI તથા DSPની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો. આ દરમિયાન વિવિધ તબક્કામાં ફરીયાદી પાસેથી કુલ રૂ. 2.36 કરોડ લેવામાં આવ્યા હતા, જેમાંથી અંદાજે રૂ. 1.48 કરોડ જેટલી રકમ આજદિન સુધી પરત આપવામાં આવી નથી. આરોપીએ ખોટા વચનો અને ખોટી ખાતરીઓ આપી ફરીયાદી સાથે ગંભીર છેતરપીંડી કરી હોવાનું પોલીસનું કહેવું છે.
હાલ આરોપીને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં, તેમજ રકમ ક્યાં અને કેવી રીતે વપરાઈ તેની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે સરકારી નોકરી અપાવવાની લાલચ આપતા દલાલો, એજન્ટો અને મધ્યસ્થીઓથી સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે આવી લાલચ પાછળ મોટાભાગે છેતરપીંડી છુપાયેલી હોય છે.


