મૂળ માલિકને ત્રણ શખ્સોની જાનથી મારી નાખવાની ધમકી
અગ્ર ગુજરાત, કેશોદ
કેશોદમાં પોસ્ટ ઓફિસની સામે આવેલી જાણીતી ‘રાજધાની હોટલ’ની માલિકી અને કબજાને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હોટલના મૂળ માલિક અને જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય અતુલભાઈ મોહનભાઈ ઘોડાસરાએ ગત તારીખ 22ના રોજ પોતાની મિલકત પર વીજ કનેક્શન કપાવવા જતાં ત્રણ શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા અતુલભાઈએ માંડ માંડ જીવ બચાવી ત્યાંથી ભાગવું પડ્યું હતું.
સમગ્ર મામલે કેશોદ પોલીસ મથકે ગોવિંદ ડાંગર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે તો સામે પક્ષે પણ અતુલ ઘોડાસરા વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
અતુલભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, હીરા પન્ના કોમ્પ્લેક્સમાં આવેલી ‘રાજધાની હોટલ’ નામની પ્રોપર્ટીના કાયદેસરના માલિક છે. તેમણે મિત્રતાના દાવે અને વહીવટી સમાધાનની શરતે તેમણે સામા પક્ષને આ હોટલનો કાચો કબજો સોંપ્યો હતો. જોકે, સામા પક્ષના લોકોએ પ્રોપર્ટીનો બિનકાયદેસર ઉપયોગ શરૂ કર્યો હોવાથી અતુલભાઈએ હોટલનું લાયસન્સ, શોપ લાયસન્સ રદ કરાવી દીધા હતા અને PGVCLમાં વીજ મીટર ઉતારવા માટે પણ અરજી કરી હતી.
22 તારીખે બપોરે 12 વાગ્યે જ્યારે PGVCLની ટીમ મીટર ઉતારવા માટે હોટલ પર પહોંચી, ત્યારે પ્રોપર્ટી માલિક તરીકે અતુલભાઈને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. અતુલભાઈ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં પહેલેથી જ ગોવિંદભાઈ મેરામભાઈ ડાંગર, જગદીશભાઈ મ્યાત્રા અને સંજયભાઈ બકોત્રા હાજર હતા. અતુલભાઈને જોતા જ આ ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે અતુલભાઈ પર પિત્તો ગુમાવી ગાળાગાળી શરૂ કરી હતી અને કહ્યું હતું કે, “આ અમારા બાપની પેઢી છે, તારે અહીંયા આવવાનું નથી.
વિવાદ વધતા ત્રણેય શખ્સો અતુલભાઈને મારવા માટે તેમની પાછળ દોડ્યા હતા. જીવનું જોખમ જણાતા અતુલભાઈ તુરંત પોતાની ગાડીમાં બેસી ગયા હતા. આરોપીઓએ ગાડીના કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો અને રસ્તામાં આંતરીને મારી નાખવાની ધમકી આપી હતી. અતુલભાઈએ સમયસૂચકતા વાપરી ગાડી હંકારી મૂકી સીધા કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાની આપવીતી જણાવી હતી.


