વિરોધ સમાવવા માટે ભાજપ દ્વારા ચાલતા પ્રયાસો : મીટીંગોનો ધમધમાટ
ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટીપ્પણી અંગે ક્ષત્રિય સમાજમાંથી ઉઠેલો વિરોધ શમવાને બદલે હવે રાજય વ્યાપી બની ગયો છે. રાજકોટમાં ક્ષત્રિય કરણી સેના દ્વારા વિરોધને વધુ ઉગ્ર બનાવાયો છે. ક્ષત્રિય યુવાનો અને મહિલાઓ દ્વારા આજે જુદા-જુદા વિરોધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પેલેસ રોડ આશાપુરા મંદિર ખાતે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મીનીબા વાળા સહિતનાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતાં. બીજી બાજુ યુવાનો દ્વારા વિરોધ કાર્યક્રમો ચાલુ રખાયા હતાં.
શહેરમાં ક્ષત્રિય આંદોલનકારોએ બોયકોટ પરશોત્તમ રૂપાલાના નામના પોસ્ટરો લગાવ્યા હતાં. આ સામે ભારતીય જનતા પાર્ટી હજુ પણ બચાવની મુદ્રામાં છે અને સમાધાન માટે રાજકોટથી માંડી અમદાવાદ, ગાંધીનગર સુધી સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પરંતુ રોષ શમતો નથી. ભાવનગરથી ભાજપના પીઢ નેતા અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા આંદોલનમાં જોડાયા છે. ક્ષત્રિયો સંમેલનમાં તેમની ઉપસ્થિતિ અને ટેકો આપવાની જાહેરાતથી આંદોલનને નવુ બળ મળ્યું છે. સૌરાષ્ટ્ર ઉપરાંત, સુરત, વડોદરા સહિતના શહેરોમાં રાજવી પરિવારોમાંથી પણ રૂપાલાના વિધાનના વિરોધ સાથે તેમને બદલાવવાની માંગણી થઇ રહી છે.
જો કે છેલ્લા ૨૪ કલાકના પ્રવાહો જોતાં જયાં સુધી ક્ષત્રિય સમાજનું દિલ નહી જીતાય ત્યાં સુધી આ વિવાદનો ઉકેલ દેખાતો નથી.


