- દિલ્હી ખાતે મળી ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકારોનો વધાર્યો ઉત્સાહ
- “સપના નહિ, સત્ય બતાવે છે, એટલે લોકો મોદીને પસંદ કરે છે”
આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીઓને લઈને ભાજપે તૈયારી તેજ કરી દીધી છે. આ દરમિયાન, શુક્રવારે 22 ડિસેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બે દિવસીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના કાર્યકરોને આગામી સામાન્ય ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત આપવા આહ્વાન કર્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે ભાજપે લોકસભાની ચૂંટણી માટે એક નવું સૂત્ર પણ તૈયાર કર્યું છે. આ સ્લોગન છે “સપના નહિ સચ્ચાઈ બતાવે છે, એટલે જ સૌ મોદીને પસંદ કરે છે’. સૂત્રોએ વધુમાં જણાવ્યું છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીની જેમ જ સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરશે. ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં આવી શકે છે.
વાસ્તવમાં, દિલ્હીમાં શુક્રવારથી શરૂ થયેલી ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બે દિવસીય બેઠકમાં પીએમ મોદી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય અધિકારીઓ, પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી અને સંગઠનના પ્રદેશ મહાસચિવ સામેલ થયા છે.
બેઠકમાં કયા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા?
ભાજપના પદાધિકારીઓની બે દિવસીય બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન પર ચર્ચા અને આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓની રૂપરેખા નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાલીમ, વિસ્તરણ યોજના, કોલ સેન્ટર અને મોરચાની ગતિવિધિઓ પર પણ ચર્ચા થશે.
ભાજપની આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પાર્ટીએ તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણીને સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી હતી. એવામાં, આ જીતીને ભાજપને આશા છે કે તે સતત ત્રીજી વખત ચૂંટણી જીતશે અને ફરીથી બહુમતી મેળવશે.


