PSI અને લોક રક્ષક દળની શારીરિક કસોટીના કોલ લેટર ડાઉનલોડનો પ્રારંભ
એડમિટ કાર્ડમાં આપેલ સૂચનાઓનું પાલન કરવા ઉમેદવારોને આદેશ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દીધી છે. 12 જાન્યુઆરી બપોરે 2.00 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું છે. જે માટેના કોલલેટર ડાઉનલોડની પ્રક્રિયા Ojas વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર શરૂ થયેલ છે.
ભરતી બોર્ડની જાહેરાત અનુસાર, PSI અને LRD માટેની ફિઝિકલ ટેસ્ટ આગામી 21 જાન્યુઆરીએ શરૂ થશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર ઉમેદવારોની દોડ, ઉંચાઈ-છાતી માપ તેમજ અન્ય શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવશે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થયા છે.
12 જાન્યુઆરી બપોરે 2.00 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું છે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. કોલ લેટરમાં ઉમેદવારની પરીક્ષા તારીખ, સમય, કેન્દ્ર તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.
PSI અને LRD ભરતી માટે રાજ્યભરમાંથી લાખો યુવાનો અરજી કરી ચૂક્યા છે. આ ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ દળમાં જોડાઈને રાજ્યસેવા કરવાનો અવસર મળતા યુવાનો લાંબા સમયથી તૈયારીમાં જોડાયેલા હતા.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે, કોલ લેટરમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરે અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે. શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં.


