હાલમાં PSL 2025 પાકિસ્તાનમાં રમાઈ રહી છે. જેમાં ઘણા વિદેશી ખેલાડીઓ પણ રમી રહ્યા છે. ભારત દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ, પીએસએલમાં રમી રહેલા વિદેશી ખેલાડીઓ ડરી ગયા છે. જે બાદ એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે કેટલાક વિદેશી ખેલાડીઓ હવે PSL છોડવા માંગે છે.
PSL છોડવા માગે છે ઈંગ્લિશ ખેલાડીઓ
ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પુષ્ટિ આપી હતી કે પીએસએલ મેચો નિર્ધારિત શેડ્યુલ મુજબ રમાશે. પરંતુ હવે ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ આ અંગે ચિંતિત છે અને PSL છોડવા માંગે છે.
ઈંગ્લેન્ડના સેમ બિલિંગ્સ, જેમ્સ વિન્સ, ટોમ કરન, ડેવિડ વિલી, ક્રિસ જોર્ડન, ટોમ કોહલર-કેનમોર અને લ્યુક વુડ જેવા ખેલાડીઓ પીએસએલમાં રમી રહ્યા છે. રિપોર્ટ મુજબ ડેવિડ વિલી અને ક્રિસ જોર્ડને મુલ્તાન સુલ્તાનને કહ્યું છે કે તેઓ PSL છોડવા માંગે છે કારણ કે તેમની ટીમ પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને ટીમ પાસે ફક્ત એક લીગ મેચ બાકી છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન ખેલાડીઓના સંપર્કમાં હોવાનું કહેવાય છે, પરંતુ તેમણે હજુ સુધી ખેલાડીઓને દેશ છોડવાનો નિર્દેશ આપ્યો નથી.
ઈંગ્લેન્ડના ખેલાડીઓ ડરી ગયા
જોકે, ઇંગ્લેન્ડના ખેલાડીઓને ડર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. એટલા માટે તે પીએસએલ છોડીને પોતાના દેશ પાછા જવા માંગે છે. 7 મેના રોજ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી છાવણીઓ પર હુમલા કર્યા. આ હુમલો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો. આ હુમલામાં 25 ભારતીય અને 1 નેપાળી નાગરિકનું મોત થયું હતું. ભારતે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતે ખાતરી કરી કે નાગરિકોને કોઈ નુકસાન ન થાય.
પહલગામ હુમલા પછી ભારતનો હવાઈ હુમલો
22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને તેમની હત્યા કરી દીધી. જે બાદ સમગ્ર ભારતમાં પાકિસ્તાન સામે ગુસ્સો જોવા મળ્યો. હવે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને યોગ્ય જવાબ આપ્યો.


