ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ ફરી એકવાર રમતો શરૂ થવા જઈ રહી છે. BCCI એ IPL 2025 ની બાકી રહેલી મેચોનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ પહેલા બંને દેશો વચ્ચેના તણાવને કારણે લીગને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ પહેલા તેની ક્રિકેટ લીગને દુબઈ ખસેડવાની જાહેરાત કરી હતી અને પછી પરવાનગી ન મળતાં તેને પાકિસ્તાન સુપર લીગ 2025ને પણ સ્થગિત કરી દીધી હતી. હવે PCBએ PSL ફરી શરૂ કરવાની તારીખ પણ જાહેર કરી છે.
ભારત સાથેના સંઘર્ષ વચ્ચે PCBએ લીધો મોટો નિર્ણય
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ લીગ 2025 ની બાકી રહેલી મેચો માટે નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ લીગ 17 મેથી ફરી શરૂ થશે. BCCI એ પણ આ તારીખથી IPL શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે PCB એ અહીં પણ ભારતની કોપી કરવાનો પ્રયાસ કર્યો છે.
પીસીબી ચેરમેને કરી પોસ્ટ
પીસીબીના ચેરમેન મોહસીન નકવીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લીગ અંગે અપડેટ આપ્યું. તેમને પોસ્ટમાં લખ્યું, ‘HBL PSL ત્યાંથી શરૂ થશે જ્યાંથી તે બાકી હતી.’ 6 ટીમો, 0 ડર. 17 મેથી શરૂ થતી 8 રોમાંચક મેચો માટે તૈયાર થઈ જાઓ, જે 25 મેના રોજ ગ્રાન્ડ ફિનાલે સુધી ચાલશે. બધી ટીમોને શુભકામનાઓ.
વિદેશી ખેલાડીઓના રમવા અંગે શંકા?
પીએસએલએ સોમવારે ફ્રેન્ચાઈઝીઓ સાથે બેઠક યોજી હતી. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે સૌથી મોટો તણાવ વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતાનો છે. રિપોર્ટ મુજબ ઘણા વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન પાછા આવવા માગતા નથી. ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન, વિદેશી ખેલાડીઓ ખૂબ ડરી ગયા હતા અને તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાન છોડવા માગતા હતા.
આ દરમિયાન, બાંગ્લાદેશી લેગ-સ્પિનર રિશાદ હુસૈને પાકિસ્તાનથી દુબઈ પહોંચ્યા બાદ પોતાનો અનુભવ શેર કર્યો. રિશાદે કહ્યું કે સેમ બિલિંગ્સ, ડેરિલ મિચેલ, કુસલ પરેરા, ડેવિડ વીજે, ટોમ કરન જેવા ખેલાડીઓ સંપૂર્ણપણે ડરી ગયા હતા. ટોમ કરન એટલો ડરી ગયો કે તે રડવા લાગ્યો.
આ શહેરોમાં રમાશે મેચો
પીએસએલ 2025માં કુલ 8 મેચ રમાશે જેમાં એલિમિનેટર, ક્વોલિફાયર અને ફાઈનલનો સમાવેશ થાય છે. આ બધી મેચ રાવલપિંડી, મુલતાન અને લાહોરમાં રમાશે. ક્વોલિફાયર અને બંને એલિમિનેટર લાહોરમાં યોજાશે. લાહોર ફાઈનલનું પણ આયોજન કરશે.


