- PSL મેચ દરમિયાન બાબર આઝમ ફેન્સ પર ગુસ્સે થઇ ગયો
- ચાહકોએ બાબરની સામે ‘ઝિમ્બાબર’ના નારા લગાવ્યા
- બાબર આઝમે ચાહકો પર પાણીની બોટલો ફેંકવાની ધમકી આપી
PSL મેચ દરમિયાન ચાહકો દ્વારા ટ્રોલ થયા બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ગુસ્સે થઇ ગયો હતો. બાબર આઝમ ચાહકો પર ગુસ્સે થયો અને પાણીની બોટલ ફેંકીને મારવાની ધમકી પણ આપી. બાબરના આ રિએક્શન પર ચાહકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમને PSL મેચ દરમિયાન ચાહકોના જૂથ દ્વારા ટ્રોલ કરવામાં આવ્યો હતો. તે ટેક્નિકલ સ્ટાફ સાથે મેદાનની બાજુમાં બેઠો હતો. ત્યારબાદ કેટલાક ચાહકોએ ‘ઝિમ્બાબર’ના નારા લગાવ્યા. આના પર બાબર આઝમ ગુસ્સે થઈ ગયા. પેશાવર ઝાલ્મીના કેપ્ટન બાબર આઝમે ચાહકો પર પાણીની બોટલો ફેંકવાની ધમકી આપી હતી.
ગુસ્સાનો વીડિયો વાયરલ થયો
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે બાબરે ગુસ્સામાં બોટલ ઉપાડી અને ચાહકો તરફ ફેંકવાનો ઈશારો કર્યો. જોકે, બાબરે તેના પર બોટલ ફેંકી ન હતી. પૂર્વ કેપ્ટન પાકિસ્તાન સુપર લીગમાં પોતાના દેશવાસીઓ દ્વારા કરવામાં આવેલી ટ્રોલિંગથી ઘણો નારાજ દેખાઈ રહ્યો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ચાહકોએ કેમ કહ્યું ‘ઝિમ્બાબર’?
વાસ્તવમાં બાબર આઝમ 2015માં ડેબ્યૂ કર્યા બાદથી જ પાકિસ્તાન માટે શાનદાર બેટ્સમેન રહ્યો છે. તેને વિરાટ કોહલીના પ્રતિસ્પર્ધી તરીકે પણ જોવામાં આવી રહ્યો હતો. જોકે બાબર આઝમનું ફોર્મ છેલ્લા 2-3 વર્ષથી ખરાબ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં ચાહકોને લાગે છે કે બાબરને તેના ખરાબ ફોર્મમાંથી બહાર લાવવા માટે ઝિમ્બાબ્વે સામે શ્રેણી રમવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે બાબર આઝમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 18 મેચ રમી છે. આ દરમિયાન 57.75ની એવરેજથી 693 રન બનાવ્યા છે. જેના કારણે ચાહકોએ ઝિમ્બાબરના નારા લગાવ્યા હતા.


